ઇલેક્શન કમિશનના ઑફિસરો રાહુલ ગાંધીના હેલિકૉપ્ટરને ઘેરી વળ્યા, ચેક કર્યા પછી જ ઊતરવા દીધા

16 April, 2024 09:17 AM IST  |  Tamilnadu | Gujarati Mid-day Correspondent

તામિલનાડુના નીલગિરિમાં બની આ ઘટના

હેલિકૉપ્ટરની ચકાસણીની તસવીર

કૉન્ગ્રેસના નેતા અને કેરલાના વાયનાડના સંસદસભ્ય રાહુલ ગાંધી ગઈ કાલે તેમના મતવિસ્તારમાં ચૂંટણીપ્રચાર કરવા જઈ રહ્યા હતા ત્યારે તામિલનાડુના નીલગિરિમાં ચૂંટણીપંચના અધિકારીઓએ તેમના હેલિકૉપ્ટરની ચકાસણી કરી હતી. પંચના ફ્લાઇંગ સ્ક્વૉડના અધિકારીઓ હેલિકૉપ્ટર ઊતર્યું ત્યારે અંદર ગયા હતા અને તપાસ હાથ ધરી હતી. આ સંદર્ભમાં એક વિડિયો પણ વાઇરલ થયો છે, જેમાં હેલિકૉપ્ટર ઊતરે છે એની સાથે જ અધિકારીઓ એને ઘેરી લે છે અને તપાસ કરે છે. એ પછી રાહુલ ગાંધી બહાર નીકળે છે. રાહુલ ગાંધી ચાર દિવસ દક્ષિણ ભારતમાં પ્રચાર કરવાના છે. તેમના વાયનાડ મતદારસંઘમાં બીજા તબક્કામાં ૨૬ એપ્રિલે મતદાન થવાનું છે.

મોદીનું હેલિકૉપ્ટર ચેક કરો : સુપ્રિયા શ્રીનેત
રાહુલ ગાંધીના હેલિકૉપ્ટરની તપાસ થયા બાદ કૉન્ગ્રેસનાં નેતા સુપ્રિયા શ્રીનેતે માગણી કરી હતી કે ચૂંટણીઅધિકારીઓએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હેલિકૉપ્ટરની પણ તપાસ કરવી જોઈએ, વડા પ્રધાન અને ગૃહપ્રધાનને સ્પેશ્યલ સ્ટેટસ ન આપો.

national news rahul gandhi election commission of india Lok Sabha Election 2024