ચૂંટણી પંચ કૂચ બિહારમાં સચ્ચાઈને દબાવવા માગે છેઃ મમતા બૅનરજી

12 April, 2021 11:56 AM IST  |  Siligudi | Agency

‘ચૂંટણીના પ્રથમ તબક્કાથી જ સીઆઇએસએફના જવાનો કઈ પરિસ્થિતિમાં શું કરવું એ સમજી શકતા નથી. તેઓ સ્થાનિક લોકો પર અત્યાચાર કરે છે.

ગઈ કાલે ચૂંટણી પ્રચાર દરમ્યાન મમતા બેનરજી. પી.ટી.આઇ.

કૂચ બિહારમાં સલામતી દળના ગોળીબારમાં ચાર જણનાં મૃત્યુની ઘટનાને ‘કત્લેઆમ’ ગણાવતાં પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજીએ જણાવ્યું હતું કે ચૂંટણી પંચે સચ્ચાઈને દબાવવાના ઇરાદે એ વિસ્તારમાં ૭૨ કલાક સુધી રાજકારણીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે.
અગાઉ મમતા બૅનરજીએ બદુરિયા તથા ૨૪ પરગણા જિલ્લાના અન્ય કેટલાંક ઠેકાણે ચૂંટણીપ્રચાર કર્યા બાદ કૂચ બિહાર પહોંચવાનો કાર્યક્રમ ઘડ્યો હતો. તૃણમૂલ કૉન્ગ્રેસનાં પ્રમુખ મમતા બૅનરજીએ જણાવ્યું હતું કે ‘રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીમાં ચોથા તબક્કાનું મતદાન ચાલતું હતું ત્યારે કૂચ બિહાર જિલ્લાના સિતલકૂચીમાં સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યૉરિટી ફોર્સિસ (સીઆઇએસએફ)ના જવાનોએ સંબંધિત લોકોના પેટ પર ગોળીઓ વરસાવી હતી. હવે ચૂંટણી પંચ કૂચ બિહાર જિલ્લામાં રાજકીય નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકીને વાસ્તવિકતાને દબાવી દેવા પ્રયત્નશીલ છે. આપણી કેન્દ્ર સરકાર અને તેના ગૃહપ્રધાન બન્ને આવડત વગરના છે.’ અગાઉ પોલીસે જણાવ્યું હતું કે સ્થાનિક લોકોના તોફાની ટોળાએ સલામતી દળોની બંદૂકો છીનવી લેવાનો પ્રયાસ કર્યા પછી જવાનોએ ગોળીબાર કર્યો હતો. મમતા બૅનરજીએ ગઈ કાલે જણાવ્યું હતું કે ‘ચૂંટણીના પ્રથમ તબક્કાથી જ સીઆઇએસએફના જવાનો કઈ પરિસ્થિતિમાં શું કરવું એ સમજી શકતા નથી. તેઓ સ્થાનિક લોકો પર અત્યાચાર કરે છે. આ મુદ્દે મેં નંદીગ્રામમાં રોષ વ્યક્ત કર્યો હતો, પરંતુ કોઈએ તેના પર ધ્યાન આપ્યું નહોતું.’

mamata banerjee national news