17 March, 2024 05:06 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
સુપ્રીમ કોર્ટ (Supreme Court)ના આદેશ બાદ 17 માર્ચ, રવિવારે ચૂંટણી પંચે સીબીઆઈ તરફથી ચૂંટણી બોન્ડ પર મળેલી નવી માહિતીને તેની વેબસાઇટ પર અપલોડ કરી છે. આ પહેલાં ચૂંટણી પંચે 14 માર્ચે ઈલેક્ટોરલ બોન્ડ (Electoral Bonds) સંબંધિત માહિતી સાર્વજનિક કરી હતી. કંપનીઓ દ્વારા ખરીદવામાં આવેલા ઈલેક્ટોરલ બોન્ડ્સ અને તેમના દ્વારા પક્ષકારોને મળેલા દાનનો ઉલ્લેખ હતો.
વાસ્તવમાં, સુપ્રીમ કોર્ટમાં સબમિટ કરવામાં આવેલા ઈલેક્ટોરલ બોન્ડ (Electoral Bonds) પર રિપોર્ટ મળ્યા બાદ કેન્દ્રીય ચૂંટણી પંચે તેને સાર્વજનિક કરી દીધો છે. આ તે માહિતી છે જે રાજકીય પક્ષોએ એપ્રિલ 2019માં સુપ્રીમ કોર્ટના વચગાળાના આદેશ બાદ ચૂંટણી પંચને ચૂંટણી બોન્ડ (Electoral Bonds) દ્વારા તેમને મળેલા દાન વિશે સબમિટ કરી હતી. ચૂંટણી પંચે તેને તત્કાલીન કાયદા મુજબ ગોપનીય રાખીને સીલબંધ પરબીડિયામાં રાખ્યું હતું.
પરંતુ સુપ્રીમ કોર્ટના આદેશ પર ચૂંટણી પંચે (ECI) આ માહિતી કોર્ટને સોંપી દીધી હતી. હવે 15 માર્ચના આદેશ બાદ સુપ્રીમ કોર્ટે આ સીલબંધ પરબિડીયું ચૂંટણી પંચને પાછું સોંપ્યું છે. આ પછી ચૂંટણી પંચે તેને સાર્વજનિક કર્યું છે.
ચૂંટણી પંચ શું કહે છે?
ચૂંટણી પંચે આ ડેટા સીલબંધ એન્વલપમાં સુપ્રીમ કોર્ટને આપ્યો હતો. ચૂંટણી પંચે આજે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “સુપ્રીમ કોર્ટની રજિસ્ટ્રીએ સીલબંધ કવરમાં પેન ડ્રાઇવમાં ડિજિટલ રેકોર્ડ્સ સાથે ભૌતિક નકલો પરત કરી છે.” ભારતના ચૂંટણી પંચે આજે સુપ્રીમ પાસેથી ડિજિટલ સ્વરૂપમાં પ્રાપ્ત ડેટા પરત કર્યો છે. આયોગે 19 એપ્રિલથી 1 જૂન સુધી સાત તબક્કામાં યોજાનારી લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત કર્યાના એક દિવસ બાદ ડેટા જાહેર કર્યો છે.
વિપક્ષે સવાલો ઉઠાવ્યો
તમને જણાવી દઈએ કે, વિપક્ષી પાર્ટી ઈલેક્ટોરલ બોન્ડને લઈને કેન્દ્રની ભાજપ સરકાર પર સતત પ્રહારો કરી રહી છે. કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તેને સૌથી મોટું લૂંટનું કાવતરું ગણાવ્યું છે, જ્યારે આમ આદમી પાર્ટીએ કોર્ટની દેખરેખ હેઠળ તપાસની માંગ કરી છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની કડકાઈ બાદ સ્ટેટ બેંકે 12 માર્ચે ચૂંટણી પંચને ઈલેક્ટોરલ બોન્ડ સંબંધિત ડેટા સોંપ્યો હતો, જ્યાંથી તે સુપ્રીમ કોર્ટને આપવામાં આવ્યો હતો. કોર્ટે ચૂંટણી પંચને તેને અપલોડ કરવાનો આદેશ આપ્યો હતો.
કઈ પૉલિટિકલ પાર્ટીને કોણે, કેટલા રૂપિયાનું ફન્ડ આપ્યું?
ઇલેક્ટોરલ બૉન્ડ કેસમાં સુપ્રીમ કોર્ટની ટકોરના બે દિવસ બાદ સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા (એસબીઆઇ)એ બુધવારે ઍફિડેવિટ કરી જણાવ્યું હતું કે એના દ્વારા બૉન્ડ વિશે ચૂંટણીપંચને પેનડ્રાઇવમાં ડેટા સુપરત કરવામાં આવ્યા છે. આ ડેટા બે પીડીએફ ફાઇલમાં છે અને પાસવર્ડથી સુરક્ષિત છે.
એસબીઆઇએ ઍફિડેવિટમાં વધુમાં જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટે આ યોજના રદબાતલ કરી એ પહેલાં એપ્રિલ ૨૦૧૭થી ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૪ સુધી કુલ ૨૨,૨૧૭ ઇલેક્ટોરલ બૉન્ડ ઇશ્યુ કરવામાં આવ્યા હતા અને એ પૈકી ૨૨,૦૩૦ બૉન્ડને રાજકીય પક્ષોએ વટાવ્યા હતા. બાકીના ૧૮૭ બૉન્ડને વટાવીને એની રકમ વડા પ્રધાનના રાષ્ટ્રીય રાહત ફન્ડમાં જમા કરાવવામાં આવી હતી. એસબીઆઇએ પેનડ્રાઇવમાં જે માહિતી આપી છે એમાં બૉન્ડ ખરીદનારનું નામ, તારીખ અને અમાઉન્ટ છે.
હવે આવતી કાલ સુધીમાં એસબીઆઇએ આપેલી માહિતી ચૂંટણીપંચે પોતાની વેબસાઇટ પર મૂકવાની છે. બીજી બાજુ, કૉન્ગ્રેસ સહિતના વિરોધ પક્ષો આ લિસ્ટમાં કોણે કોને કેટલા રૂપિયા આપ્યા છે એ જાણવાની કાગડોળે રાહ જોઈ રહ્યા છે.