12 August, 2025 11:00 AM IST | Bihar | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
બિહારમાં સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) સંદર્ભમાં ચાલી રહેલા કેસની સુનાવણી વખતે ચૂંટણીપંચે ગઈ કાલે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે કાયદા મુજબ ડ્રાફ્ટ મતદારયાદીમાંથી ગુમ થયેલા લોકોના નામની કોઈ અલગ યાદી તૈયાર કરવાની કે શૅર કરવાની અથવા કોઈ પણ કારણોસર તેમના સમાવેશ ન થવાનાં કારણો પ્રકાશિત કરવાની જરૂર નથી.
નૉન ગવર્નમેન્ટલ ઑર્ગેનાઇઝેશન (NGO) અસોસિએશન ફૉર ડેમોક્રેટિક રિફૉર્મ્સે (ADR) કરેલા કેસમાં આરોપ લગાવ્યો હતો કે બિહારની ડ્રાફ્ટ મતદારયાદીમાંથી ૬૫ લાખથી વધુ નામ ટ્રાન્સ્પરન્સી વિના અને મૃત વ્યક્તિ, સ્થળાંતર કરનારા અથવા અન્ય શ્રેણી સાથે સંબંધિત છે કે કેમ એ જાહેર કર્યા વિના કાઢી નાખવામાં આવ્યાં છે. આ મુદ્દે ચૂંટણીપંચે જણાવ્યું હતું કે રાજ્યમાં ચાલી રહેલા SIR દરમ્યાન બિહારમાં કોઈ પણ લાયક મતદારને પૂર્વ સૂચના વિના મતદારયાદીમાંથી દૂર કરવામાં આવશે નહીં.