શિર્ડી જતા ભાઇંદરના પરિવાર પર આભ તૂટી પડ્યું

31 October, 2014 03:17 AM IST  | 

શિર્ડી જતા ભાઇંદરના પરિવાર પર આભ તૂટી પડ્યું




ભાઈંદર (ઈસ્ટ)માં ગુજરાતી વિસ્તાર ધરાવતા કૅબિન રોડ પર રહેતો અને નર્મદાનગરમાં કૃષ્ણા ડેરી ધરાવતો ૨૮ વર્ષનો લવકુશ યાદવ પરિવારના ૭ સભ્યો સાથે ૨૫ ઑક્ટોબરે રાતે ૧૦ વાગ્યે શિર્ડીના સાંઈબાબાનાં દર્શન કરવા એક ટૂર્સ ઍન્ડ ટ્રાવેલ્સની બસમાં ગયો હતો. એ ઘટના વિશે વધુ માહિતી આપતાં એક તેમના એક સંબંધીએ નામ ન આપવાની શરતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘લવકુશ અને તેની પત્નીએ ૯ મહિનાના તેમના દીકરાને શિર્ડીના સાંઈબાબાનાં દર્શને લઈ જવાની માનતા રાખી હતી. લવકુશ તેના કઝિન ભાઈઓ સાથે લક્ઝરી બસમાં જઈ રહ્યો હતો ત્યારે શિર્ડી નજીકના સિન્નર પાસે બસ-ડ્રાઇવરે ૧૩૦ની સ્પીડે ટર્ન મારતાં બસ ઊંધી વળી ગઈ હતી. એને લીધે બસમાં બેસેલા દરેક લોકોને નાની-મોટી ઈજા થઈ હતી. એમાં લવકુશ અને તેના ૯ મહિનાના દીકરાને ગંભીર ઈજા થતાં તેઓ ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા તથા લવકુશની પત્નીની ૩ આંગળીઓ કપાઈ ગઈ હતી તેમ જ કઝિન ભાઈને પણ ખૂબ માર વાગ્યો હતો. મૃત્યુ પામેલા પિતા-પુત્રના મૃતદેહ ૨૬ ઑક્ટોબરે ભાઈંદર લાવવામાં આવ્યા હતા અને રાતે ૧૧ વાગ્યે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ બધાને કારણે પરિવાર પર દુ:ખનો ડુંગર તૂટી પડ્યો છે. પરિવારજનો કાંઈ બોલી શકે એવી પરિસ્થિતિમાં નથી. પરિવારના સભ્યો બાકીની વિધિ પતાવવા તેમના વતન ગયા છે.’

લવકુશની પોતાની માલિકીની ડેરી હોવાથી એ વિસ્તારમાં બધા સાથે તેનું સારું બનતું હતું અને દીકરો થતાં પરિવારમાં ખુશીની લાગણી પ્રસરી ગઈ હતી. દીકરા ઉપરાંત લવકુશને ૪ વર્ષની એક દીકરી પણ છે.