મેઘાલયમાં પૂરથી એક લાખ લોકોને અસર

23 September, 2014 06:04 AM IST  | 

મેઘાલયમાં પૂરથી એક લાખ લોકોને અસર




મેઘાલયના સાઉથ-વેસ્ટ ગારો હિલ્સ જિલ્લામાં ભારે વરસાદને કારણે આવેલા પૂરથી કમસે કમ સાત લોકોનાં મૃત્યુ થયાં છે, જ્યારે ૧૦૦ જેટલાં ગામોમાં પાણી ભરાઈ જતાં એક લાખ લોકોને અસર પડી છે.

જિલ્લાના ડેપ્યુટી કમિશનર રામ સિંહે કહ્યું હતું કે ‘છેલ્લા ચાર દિવસથી ભારે વરસાદ થઈ રહ્યો છે એથી ગનોલ નદીમાં પૂર જેવી સ્થિતિ છે. ૧૦૦ ગામો જળબંબાકાર છે. પાકને નુકસાન થયું છે અને પશુઓ પણ પૂરમાં તણાયાં છે. પાણીને કારણે રાહતકાર્યને પણ અસર પડી છે.’

બૉર્ડર સિક્યૉરિટી ફોર્સ બે રાહત-કૅમ્પ શરૂ કર્યા છે. જિન્જિરામ નદીમાં પણ પૂર આવ્યું છે, પણ ગામડાંઓનો સંપર્ક થતો ન હોવાથી નુકસાનનો અંદાજ મળી શક્યો નથી.

આસામમાં પૂર

આસામના ગુવાહાટી શહેરમાં પણ ભારે વરસાદ અને શહેર વચ્ચેથી પસાર થતી ભારાલુ નદીમાં પૂર આવતાં અનેક રહેવાસી વિસ્તારો સિવાય નૅશનલ હાઇવે અને સ્ટેટ હાઇવે પાણીમાં ગરકાવ છે. એને કારણે જનજીવન ઠપ થયું છે. જળબંબાકારની પરિસ્થિતિને પગલે પ્રશાસને સ્કૂલો અને કૉલેજો બંધ રાખવાનો આદેશ આપ્યો હતો. આ સિવાય સરકારી ઑફિસો પણ બંધ રાખવામાં આવી હતી.

ભારે વરસાદની આગાહી

હવામાન ખાતાએ કહ્યું હતું કે ‘નૉર્થ-ઈસ્ટ વિસ્તારમાં સાઉથ-વેસ્ટ મૉન્સૂન હજી સક્રિય છે અને બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર હોવાથી આગામી ચોવીસ કલાકમાં આસામ, મેઘાલય, ત્રિપુરા અને મણિપુરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.’

તાઇવાનમાં વિનાશક વાવાઝોડું

તાઇવાનમાં ગઈ કાલે ફન્ગ-વૉન્ગ નામનું વિનાશક વાવાઝોડું ત્રાટક્યું હતું. એમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું, જ્યારે ચાર લોકો ઘાયલ થયા હતા. પ્રશાસને અગમચેતીનાં પગલાં લેતાં મૃત્યુઆંક ઓછો રહ્યો હતો, પણ વાવાઝોડાને પગલે ૭૦,૦૦૦ લોકોનાં ઘરોમાં વીજપુરવઠો ખંડિત થયો હતો અને ૯૦ મોબાઇલ-ટાવરોને નુકસાન થયું હતું એટલે મોબાઇલ ફોન-સર્વિસને અસર પડી હતી.