શિવકુમારના કુટુંબીઓ બૅન્કોનાં 317 ખાતાં ધરાવે છે : ઈડી

15 September, 2019 12:25 PM IST  |  નવી દિલ્હી

શિવકુમારના કુટુંબીઓ બૅન્કોનાં 317 ખાતાં ધરાવે છે : ઈડી

ડી. કે. શિવકુમાર

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે શુક્રવારે કહ્યું હતું કે અમને તપાસ દરમ્યાન એવી માહિતી મળી હતી કે કૉન્ગ્રેસના કહેવાતા સંકટમોચન ડી. કે. શિવકુમારના કુટુંબીઓ અને સાથીઓ વીસથી વધુ બૅન્કોમાં ૩૧૭ ખાતાં ધરાવે છે અને શિવકુમાર પાસે ૮૦૦ કરોડની બેહિસાબી સંપત્તિ છે.

શિવકુમારે કરેલા ૨૦૦ કરોડના મની લૉન્ડરિંગની વિગતો અમને મળી ચૂકી છે. બાકીની તપાસ હજી ચાલુ છે. શિવકુમારની ૨૨ વર્ષની પુત્રીના નામે ૧૦૮ કરોડની લેવડદેવડ઼ થઈ છે એમ એજન્સીએ સ્પેશ્યલ કોર્ટના જસ્ટિસ અજયકુમાર કુહાર સમક્ષ કહ્યું હતું. એજન્સીએ વધુ પાંચેક દિવસ માટે શિવકુમારની કસ્ટડી માગી હતી. કોર્ટે એમને ૧૭ સપ્ટેમ્બર સુધી કસ્ટડીમાં રાખવાની છૂટ આપી હતી. જો કે કોર્ટે એજન્સીને કહ્યું હતું કે દર ચોવીસ કલાકે શિવકુમારની મેડિકલ તપાસ કરાવવી અને એમને માટે જરૂરી તમામ દવા એમને લેવાની છૂટ આપવી.

ઉપરાંત કોર્ટે એવી સૂચના પણ આપી હતી કે ચોવીસ કલાકમાં એક વાર શિવકુમારને એમના ડૉક્ટર તથા કુટુંબીજનો અડધા કલાક માટે મળી શકે એવી જોગવાઈ રાખવી.

આ પણ વાંચો : હિન્દીને રાષ્ટ્રભાષા જાહેર કરવાના અમિત શાહના નિવેદનનો વિવાદ

કોર્ટને લાગ્યું હતું કે જ્યારે પુરાવા અને સાક્ષીઓ છે ત્યારે શિવકુમારને જામીન પર મુક્ત કરવાની હાલ કોઈ જરૂર જણાતી નથી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે વધારાના સોલિસિટર જનરલ કે. એમ. નટરાજ દ્વારા કોર્ટને જણાવ્યું હતું કે ૮૦૦ કરોડની રકમ દેશના અર્થતંત્ર માટે મહત્વની છે. દરેક સવાલના જવાબ શિવકુમાર ગોળ ગોળ આપે છે. સ્પષ્ટ જવાબ આપતા નથી, માટે અમને વધુ પાંચ દિવસની કસ્ટડી આપવી જોઈએ.

national news