રિવરફ્રન્ટ કૌભાંડ: UPમાં EDના દરોડા, અખિલેશની મુશ્કેલી વધી

25 January, 2019 08:36 AM IST  | 

રિવરફ્રન્ટ કૌભાંડ: UPમાં EDના દરોડા, અખિલેશની મુશ્કેલી વધી

અખિલેશ યાદવ

ગયા માર્ચ મહિનામાં પ્રિવેન્શન ઑફ મની-લૉન્ડરિંગ ઍક્ટ (PMLA) હેઠળ ક્રિમિનલ કેસ નોંધ્યો હતો. ત્યાર પછી EDનું આ પ્રથમ દરોડાસત્ર છે. રિવરફ્રન્ટ કૌભાંડ બાબતે EDનું દરોડાસત્ર ઉત્તર પ્રદેશ (લખનઉ-નોએડા), હરિયાણા, રાજસ્થાન અને દિલ્હી એમ ચાર રાજ્યોમાં ચાલી રહ્યું છે.

EDના સર્ચ-ઑપરેશન્સ તથા અન્ય કાર્યવાહી સિંચાઈ વિભાગના ભૂતપૂર્વ અધિકારીઓ, એન્જિનિયર્સ અને ગેમન ઇન્ડિયા કંપનીના અધિકારીઓનાં આઠ ઠેકાણાં પર ચાલે છે. એ એન્જિનિયર્સ અને અધિકારીઓ સામે FIR નોંધવામાં આવ્યા છે. ગોમતી રિવરફ્રન્ટના કૌભાંડમાં ગયા સપ્ટેમ્બર મહિનામાં છ મોટી કંપનીઓને સમન્સ મોકલવામાં આવ્યા હતા. EDના અધિકારીઓએ પ્રાથમિક તપાસમાં મળેલી માહિતી બાબતે જણાવ્યું હતું કે બ્લૅકલિસ્ટેડ કંપનીઓને રિવરફ્રન્ટના કૉન્ટ્રૅક્ટ્સ આપવામાં આવ્યા હતા અને એ કંપનીઓને પેમેન્ટ પણ વધારે આપ્યું હતું. EDએ છ કંપનીઓને સમન્સ મોકલ્યા છે.

ઉત્તર પ્રદેશમાં ગોમતી રિવરફ્રન્ટનું કામ 2015માં અખિલેશ યાદવ પ્રણિત સમાજવાદી પાર્ટીની સરકારના શાસનમાં શરૂ થયું હતું. એ યોજનાનું પ્રારંભિક બજેટ ૫૫૦ કરોડ રૂપિયાનું હતું. ત્યાર પછી એ રકમ વધીને 1467 કરોડ રૂપિયા પર પહોંચી હતી. રાજ્યમાં યોગી આદિત્યનાથની સરકાર આવી ત્યાર સુધીમાં 1427 કરોડ રૂપિયા ખર્ચાઈ ચૂક્યા હતા. મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે રિવરફ્રન્ટ યોજનાની સમીક્ષા કરી ત્યારે યોજના પૂરી કરવા માટે 15,000 કરોડ રૂપિયા જેટલી રકમનું વધારાનું બજેટ દર્શાવવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : તેલંગણા કૉંગ્રેસના પોસ્ટરનો વિવાદ: મહિલાઓના અપમાન બદલ રાહુલ ગાંધી માફી માગે

રિવરફ્રન્ટ પ્રોજેક્ટમાં ગરબડ જણાતાં યોગી આદિત્યનાથે તપાસ માટે અલાહાબાદ હાઈ કોર્ટના જજ આલોકકુમાર સિંહની કમિટી સ્થાપી હતી. ત્યાર પછી નગર વિકાસ પ્રધાન સુરેશ ખન્નાની અધ્યક્ષતામાં કમિટી રચવામાં આવી હતી. ત્યાર પછી 2017ના જુલાઈ મહિનામાં રાજ્ય સરકારે પ્રોજેક્ટના વ્યવહારોની તપાસ માટે CBI દ્વારા તપાસની માગણી કરી હતી. કેન્દ્ર સરકારે 2017ની 24 નવેમ્બરે કેસ CBIને સોંપ્યો હતો.

akhilesh yadav uttar pradesh national news