21 July, 2025 08:34 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ગૂગલ અને મેટા
ઑનલાઇન સટ્ટાબાજી રમાડતી ઍપના પ્રમોશન કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)એ ટેક્નૉલૉજી જાયન્ટ કંપનીઓ ગૂગલ અને મેટા પર સકંજો કસવાની તૈયારી કરી છે. EDએ આ મામલે ગૂગલ અને મેટાને સમન્સ મોકલ્યા છે અને આ બન્ને કંપનીઓના પ્રતિનિધિઓએ ૨૧ જુલાઈએ ED સમક્ષ હાજર થવાનું છે. ED આ કંપનીઓના પ્રતિનિધિઓને ઑનલાઇન સટ્ટાબાજી ઍપ્સ વિશે પૂછપરછ કરશે.
EDનો આરોપ છે કે બન્ને કંપનીઓએ તેમની જાહેરાતોમાં ઑનલાઇન સટ્ટાબાજી ઍપ્સને મુખ્ય સ્થાન આપ્યું છે. આ તપાસ સોશ્યલ મીડિયા પર મોટા પાયે ચાલી રહેલા ઑનલાઇન સટ્ટાબાજી બજારને સમાપ્ત કરવા માટે શરૂ કરવામાં આવી રહી છે. EDએ ઑનલાઇન સટ્ટાબાજી ઍપ્સના વિકાસ પાછળનું કારણ એ આપ્યું છે કે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર એની સતત જાહેરાત યુવાનોને મૂંઝવણમાં મૂકે છે. બધી સોશ્યલ મીડિયા ઍપ્સે તેમના પ્લૅટફૉર્મ પર આ ઍપ્સની જાહેરાતો આડેધડ રીતે બતાવી છે.
ED દ્વારા જાહેર કરાયેલી નોટિસ અનુસાર ગૂગલ અને મેટા કંપનીઓના પ્રતિનિધિઓની પૂછપરછ દરમ્યાન ED પૂછી શકે છે કે તમે તમારા પ્લૅટફૉર્મ પર આવી જાહેરાતોને આટલી બધી જગ્યા કેમ આપી? ED માને છે કે ઑનલાઇન સટ્ટાબાજી ઍપ્સની જાહેરાત દ્વારા આ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મે કરોડો રૂપિયાનાં કાળાં નાણાંની કમાણી કરી છે.
મુંબઈમાં અનેક સ્થળે દરોડા
દેશભરમાં ઑનલાઇન સટ્ટાબાજી અને ગેરકાયદે ડબ્બા ટ્રેડિંગ સામે EDની કાર્યવાહી તેજ બની છે. ૧૫ જુલાઈએ મુંબઈમાં અનેક સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા, જ્યાં EDને મોટી માત્રામાં રોકડ, કીમતી ઘડિયાળો અને લક્ઝરી વાહનો મળી આવ્યાં હતાં. કુલ ત્રણ કરોડ રૂપિયાથી વધુની રોકડ જપ્ત કરવામાં આવી હતી. ED આગામી દિવસોમાં આ કેસમાં કેટલાક શંકાસ્પદોનાં નિવેદનો નોંધવા જઈ રહી છે.
દેશભરમાં EDની કાર્યવાહી ચાલુ
એવું નથી કે EDએ ફક્ત આ બે કંપનીઓને જ નોટિસ મોકલી છે. ED દેશભરમાં ઑનલાઇન સટ્ટાબાજી ઍપ્સ સામે ઍક્શન મોડમાં છે. અગાઉ EDએ તેલંગણના ઘણા મોટા ફિલ્મસ્ટાર્સને પૂછપરછ માટે બોલાવ્યા હતા અને કેટલાક સામે કેસ પણ નોંધ્યા હતા. EDએ સાઉથ સિનેમાના રાણા દગ્ગુબાતી, પ્રકાશ રાજ અને વિજય દેવરાકોન્ડા સહિત કુલ ૨૯ કલાકારો સામે કેસ નોંધ્યો હતો.