મની લોન્ડરિંગના કેસમાં ઇડીએ બે ચીની નાગરિકોની ધરપકડ કરી

18 January, 2021 02:20 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

મની લોન્ડરિંગના કેસમાં ઇડીએ બે ચીની નાગરિકોની ધરપકડ કરી

પ્રતીકાત્મક તસવીર

ગયા વર્ષના ઑગસ્ટ મહિનામાં મની લોન્ડરિંગના કેસની તપાસ હાથ ધરાઈ હતી, તે સંદર્ભે ઇડીએ બે ચીની નાગરિકોની ધરપકડ કરી હોવાનું અધિકારીઓએ ગઈ કાલે જણાવ્યું હતું.

આ તપાસ સાથે સંકળાયેલા ઇડીના અધિકારીએ જણાવ્યું હતું કે ઇડીએ શુક્રવારે પીએમએલએ હેઠળ ચીની નાગરિક લ્યુઓ સાંગ ઉર્ફ ચાર્લી પેંગ અને કાર્ટર લીની ધરપકડ કરી હતી.

અધિકારીએ જણાવ્યું હતું કે પેંગ અને લી સેંકડો બનાવટી કંપનીઓ દ્વારા અનેક ચીની કંપનીઓ માટે મોટેપાયે હવાલાનું કામકાજ કરતાં હતાં.

આ બન્નેને શનિવારે કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવ્યા હતા, જ્યાં ઇડીને તેમની ૧૪ દિવસની કસ્ટડી સોંપવામાં આવી હતી.

ગયા વર્ષે ઑક્ટોબર મહિનામાં આવકવેરા વિભાગે પાડેલી રેઇડને પગલે પેંગ અને અન્ય ચીની નાગરિકો મોટું હવાલા કામકાજ ચલાવતા હોવાના કરેલા દાવાને પગલે ઇડીએ તેમની વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો હતો.

તેમના પર જાસૂસી રેકેટ ચલાવવાનો પણ આરોપ મુકાયો હતો, જે માટે દિલ્હી પોલીસે પણ તેમની સામે કેસ નોંધ્યો છે.

national news