દરોડા પડ્યા તો MLA દીવાલ કૂદીને નાઠા, કાદવમાં લથબથ હાલતમાં EDએ પકડી પાડ્યા

26 August, 2025 11:49 AM IST  |  Murshidabad | Gujarati Mid-day Correspondent

શિક્ષકભરતી-કૌભાંડમાં તૃણમૂલ કાૅન્ગ્રેસના વિધાનસભ્ય એક મહિનાના જામીન પર બહાર હતા

જીવન કૃષ્ણ

સોમવારે સવારે પ​શ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)ની એક ટીમ શિક્ષકભરતી-કૌભાંડ કેસમાં દરોડા પાડવા માટે તૃણમૂલ કૉન્ગ્રેસના વિધાનસભ્ય જીવન કૃષ્ણ સાહાના નિવાસસ્થાને પહોંચી હતી. દરોડા પડ્યાની જાણ થતાં જ સાહા ભાગ્યા હતા અને દીવાલ કૂદીને ભાગી છૂટવાનો પ્રયાસ કર્યો હતો. EDના અધિકારીઓએ તેમનો પીછો કર્યો હતો અને તેમને ખેતરમાંથી પકડીને કસ્ટડીમાં લીધા હતા. ખેતરમાંથી ભાગવાને કારણે તેમનાં કપડાં અને શરીર પર કાદવ હતો. દરોડા દરમ્યાન વિધાનસભ્યએ પુરાવાનો નાશ કરવાનો પણ પ્રયાસ કર્યો હતો અને તેમનો મોબાઇલ ફોન ઘરની નજીકના તળાવમાં ફેંકી દીધો હતો. જોકે EDની ટીમે તેના બન્ને મોબાઇલ ફોન તળાવમાંથી કબજે કર્યા હતા. બન્ને મોબાઇલને ફૉરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા છે.

૨૦૨૩માં એપ્રિલ મહિનામાં શિક્ષકભરતી-કૌભાંડના સંદર્ભમાં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વે​સ્ટિગેશન દ્વારા સાહાની ધરપકડ કરવામાં આવી હતી અને એક મહિના પછી તેમને જામીન મળ્યા હતા. EDને આ કૌભાંડસંબંધિત નાણાકીય વ્યવહારો વિશે માહિતી મળ્યા બાદ દરોડા પાડવાનું શરૂ કરવામાં આવ્યું હતું, જેમ-જેમ તપાસ આગળ વધતી ગઈ તેમ-તેમ વિધાનસભ્ય પર સકંજો કસાતો ગયો હતો.

west bengal enforcement directorate crime news Education finance news national news news congress political news