SPમાં હવે સાઈકલની સાઠમારી

03 January, 2017 06:56 AM IST  | 

SPમાં હવે સાઈકલની સાઠમારી



ઉત્તર પ્રદેશના શાસક યાદવપરિવારનો ઝઘડો ગઈ કાલે દિલ્હી પહોંચ્યો હતો. SPના ચૂંટણીપ્રતીક સાઇકલ પર કબજો મેળવવા માટે બન્ને છાવણીઓ વચ્ચે જોરદાર પ્રયત્નો શરૂ થયા છે. સાઇકલનું પ્રતીક મુલાયમ સિંહ પાસે જ રહે એ સુનિશ્ચિત કરવાની વ્યૂહરચના ઘડવા SPના નેતાઓ શિવપાલ યાદવ અને અમર સિંહ ગઈ કાલે સવારે દિલ્હી પહોંચ્યા હતા અને ચૂંટણી પંચ સમક્ષ પણ રજૂઆત કરી હતી, જ્યારે મુલાયમ સિંહ યાદવે પાંચ જાન્યુઆરીએ લખનઉમાં યોજેલું પક્ષનું સંમેલન મોકૂફ રાખ્યું હતું.

સાઇકલનું ચૂંટણીપ્રતીક અમારું છે એવું ભારપૂર્વક જણાવતાં મુલાયમ સિંહે પક્ષના કાર્યકરોને ચૂંટણી જીતવા પર ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યું હતું અને કહ્યું હતું કે ‘કંઈ ખોટું કર્યાનો આક્ષેપ મારા પર કોઈ કરી શકે એમ નથી. મેં ક્યારેય ભ્રષ્ટાચાર આચર્યો નથી કે કોઈનો દ્રોહ પણ નથી કર્યો. સાઇકલનું ચૂંટણીપ્રતીક અમારું છે.’

SP પર કબજો મેળવવાનો પ્રયાસ રવિવારે કરી ચૂકેલા ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન અખિલેશ યાદવ ગઈ કાલે તેમના વિશ્વાસુ સાથીઓ જોડે ચર્ચામાં વ્યસ્ત રહ્યા હતા. તેઓ તેમના લખનઉસ્થિત નિવાસસ્થાને પક્ષના નેતાઓ તથા વિધાનસભ્યોને મળવાના છે.

બીજી તરફ શિવપાલ યાદવે શ્રેણીબદ્ધ ટ્વીટ્સમાં જણાવ્યું હતું કે મુલાયમ સિંહ આજે પણ SPના રાષ્ટ્રીય પ્રમુખ છે. પક્ષના મહાસંમેલનને મોકૂફ રાખવાનું કોઈ કારણ શિવપાલે આપ્યું નહોતું, પણ માહિતગાર સૂત્રોના જણાવ્યા મુજબ રામગોપાલ યાદવે રવિવારે યોજેલા સંમેલનની સરખામણીએ લખનઉના મહાસંમેલનમાં ઓછા લોકો હાજર રહેવાની આશંકા હોવાથી એ મોકૂફ રાખવામાં આવ્યું છે. રવિવારના સંમેલનને મુલાયમ સિંહ યાદવે ગેરકાયદે અને ગેરબંધારણીય જાહેર કર્યું હતું.