હવે વ્યંડળોના વોટ માટે નેતાઓની લાગશે લાઇન

21 August, 2012 05:20 AM IST  | 

હવે વ્યંડળોના વોટ માટે નેતાઓની લાગશે લાઇન

ભારતના વ્યંડળો પણ હવે મતદારયાદીમાં નામ નોંધાવી શકશે. ઇલેક્શન કમિશને પહેલી વાર વ્યંડળોને મતદાર તરીકે માન્યતા આપી છે અને તેમનાં નામ મતદારયાદીમાં નોંધાવવા માટેની ગાઇડલાઇન બહાર પાડી છે. ઈસીઆઇ (ઇલેક્શન કમિશન ઑફ ઇન્ડિયા)એ જાહેર કરેલી ગાઇડલાઇન મુજબ વ્યંડળો તેમના ગુરુ દ્વારા કરવામાં આવેલી ભલામણ બાદ મતદારયાદીમાં નામ નોંધાવી શકશે. મોટી સંખ્યામાં વ્યંડળોને તેમનો પરિવાર સ્વીકારતો નથી. આવા સંજોગોને કારણે તેઓ વોટ આપવાનો અધિકાર મેળવી નથી શકતા. જોકે નવી ગાઇડલાઇન મુજબ વ્યંડળો માટે તેમના ગુરુ માતા-પિતા સમાન છે અને ગુરુની ભલામણને આધારે તેઓ મતદારયાદીમાં નામ ઉમેરાવી શકશે.

કેન્દ્રના એક સિનિયર અધિકારીએ કહ્યું હતું કે ‘ગુરુ પોતે પણ પોતાના ચેલા (વ્યંડળ)નું નામ મતદાર તરીકે રજિસ્ટર કરવા માટે અપીલ કરી શકશે. આ માર્ગરેખા રાજ્યોનાં ચૂંટણીપંચોને મોકલી આપવામાં આવી છે, જે ટૂંક સમયમાં જિલ્લા અને તાલુકાની ચૂંટણી-કચેરીઓ સુધી પહોંચી જશે.’