હૉસ્ટેલમાં રહેતી ગર્લ્સ પરનાં નિયંત્રણોની મેનકા ગાંધીએ કરી તરફેણ

08 March, 2017 07:18 AM IST  | 

હૉસ્ટેલમાં રહેતી ગર્લ્સ પરનાં નિયંત્રણોની મેનકા ગાંધીએ કરી તરફેણ



હૉસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા સ્કૂલ-કૉલેજના સ્ટુડન્ટ્સ માટે ચોક્કસ નિયંત્રણોની કેન્દ્રીય પ્રધાન મેનકા ગાંધીએ ગઈ કાલે તરફેણ કરી હતી અને જણાવ્યું હતું કે ‘એ વયમાં સ્ટુડન્ટ્સના શરીરમાં હૉર્મોનલ ફેરફાર થતા હોય છે અને હૉર્મોન્સના ઘોડાપૂર દરમ્યાન સ્ટુડન્ટ્સ કોઈ અવિચારી પગલું ભરી ન બેસે એટલા માટે નિયંત્રણો જરૂરી છે. એ નિયંત્રણો ગર્લ્સ અને બૉય્સ સ્ટુડન્ટ્સને સમાન રીતે લાગુ પડવાં જોઈએ.’

કેન્દ્રનાં મહિલા તથા બાળવિકાસ પ્રધાન મેનકા ગાંધીએ કહ્યું હતું કે ‘હૉસ્ટેલ-કરફ્યુ હોવો જોઈએ અને એ ગર્લ્સ તથા બૉય્સ સ્ટુડન્ટ્સને સમાન રીતે લાગુ પડવો જોઈએ. હું એક પેરન્ટ હોવાના નાતે આ વાત કહું છું. એ સમયનો ઉપયોગ સ્ટુડન્ટ્સે અભ્યાસ માટે કરવો જોઈએ.’

મેનકા ગાંધીની આ ટિપ્પણીની અનેક ટ્વિટર-યુઝર્સે ઝાટકણી કાઢી હતી.

આ અગાઉ એક ટીવી-ચૅનલ પરના કાર્યક્રમમાં મેનકા ગાંધીએ કહ્યું હતું કે ‘મારી દીકરી કે દીકરાને ભણવા માટે કૉલેજમાં મોકલું ત્યારે એ સલામત રહે એવું એક પેરન્ટ તરીકે હું ઇચ્છું એ દેખીતું છે અને એ તેમના ભલા માટે જ છે.’

પોતાની વાતને વિગતે સમજાવતાં મેનકા ગાંધીએ કહ્યું હતું કે ‘૧૬ કે ૧૭ વર્ષની વયે બાળકોના શરીરમાં હૉર્મોનની મોટા પાયે ઊથલપાથલ થતી હોય છે. એ સમયે બાળકોને તેમની પોતાની સામે સલામત રાખવા માટે ચોક્કસ પ્રકારની લક્ષ્મણરેખા દોરવામાં આવતી હોય છે.’

જોકે બાદમાં આ બાબતે સ્પષ્ટતા કરતાં મેનકા ગાંધીએ કહ્યું હતું કે ‘એ વય દરમ્યાન સ્ટુડન્ટ્સ તેમની આજુબાજુના નવા વાતાવરણ અને સ્વાતંત્ર્યને કારણે એક્સાઇટેડ હોય છે. તેમની આસપાસ સલામતીનું કવચ હોય એ જરૂરી છે. હૉર્મોન્સ શબ્દનો ઉપયોગ મેં કોઈ સેક્સ્યુઅલ અર્થમાં કર્યો નહોતો.’

શિસ્તના હેતુસર હૉસ્ટેલ-કરફ્યુની તરફેણ કરતાં મેનકા ગાંધીએ જણાવ્યું હતું કે પોતાના સ્ટુડન્ટ્સે કયા સમય પછી હૉસ્ટેલની બહાર ન રહેવું જોઈએ એ નિર્ણય સંબંધિત સંસ્થાઓએ કરવાનો છે.