ગુજરાતથી ઓડિશા, વિશાખાપટનમ જતી 1500 ટૂર થઈ રદ

04 May, 2019 01:45 PM IST  | 

ગુજરાતથી ઓડિશા, વિશાખાપટનમ જતી 1500 ટૂર થઈ રદ

ફાની વાવાઝોડાના કારણે વાહનવ્યવ્હાર ઠપ

અત્યંત ઝડપી પવન અને વરસાદ સાથે ફાની વાવાઝોડું ઓડિશા અને તેની આસપાસનાં રાજ્યોમાં ત્રાટક્યું છે. જેને કારણે માત્ર ઓડિશામાંથી જ આશરે 11 લાખ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા જ્યારે 10 હજારથી વધુ ગામડાં અને 50 જેટલા નાના ટાઉનને સૌથી માઠી અસર પહોંચી છે. આ સંકટના સમયે ગુજરાતથી 5 એનડીઆરએફની ટીમ અસરગ્રસ્ત વિસ્તારોમાં જશે. આ ઉપરાંત પુરી, ઓડિશા, વિશાખાપટનમ, પશ્ચિમ બંગાળ, ચેન્નઇ તરફની આશરે 1500 ટૂર રદ કરવામાં આવી છે.

આ વાવાઝોડાને કારણે કોલકાત્તા ઍરર્પોટ શનિવારે સવારે સુધી બંધ રહેશે. તમામ ઇન્ટરનૅશનલ અને ડોમૅસ્ટિક ફ્લાઇટ રદ થઇ ગઇ છે. આ ઉપરાંત ઓડિશાના ફાની તોફાનની સીધી અસર વલસાડમાં પડી છે. વાવાઝોડાની અસરને કારણે રેલવ્યવહાર ખોરવાયો છે. વલસાડથી ઓડિશા જતી પુરી ટ્રેન કેન્સલ કરાઈ છે. જેને કારણે મોટી સંખ્યામાં મુસાફરો અટવાયા છે. ફાની વાવાઝોડું ઓડિશા તરફ ફંટાઈ જતાં 250 કિલોમીટરની સ્પીડે ત્રાટકશે ત્યારે અગમચેતીના ભાગરૂપે દેશભરની 200થી વધુ ટ્રેનો કૅન્સલ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: ઓરિસ્સામાં ફાની વાવાઝોડાના દિવસે જન્મેલ બાળકનું નામ પણ "ફાની" રખાયું

કાલુપુર રેલવે સ્ટેશન પર સેંકડો મુસાફરો અટવાયા હતા. અમદાવાદથી પુરી જતી ટ્રેન આજે રદ કરવામાં આવી છે. એટલું જ નહીં આગામી 7 મે સુધી હાઈ અલર્ટના પગલે પુરી સુધી જતી અને અમદાવાદ કે ગુજરાતથી ઉપડતી તમામ ટ્રેનો રદ કરવામાં આવી છે. છેક પુરી સુધી ન જવા માગતા અને વચ્ચેનાં સ્ટેશન સુધી મુસાફરી માટે ટિકિટ બુક કરાવનારા પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા છે. ટ્રેનો રદ થવાના પગલે રઝળી ગયેલા મુસાફરોએ રિફંડ મેળવવા લાઈનો લગાવી હતી. રેલવે સ્ટેશન પર રિફંડ માટે મુસાફરોની ભારે ભીડને લઈને સ્પેશિયલ કાઉન્ટર ખોલવામાં આવ્યાં છે.