ભારતમાં વાયુ પ્રદુષણના કારણે લોકોની સરેરાશ ઉમર 2.6 વર્ષ ઘટી

13 June, 2019 09:01 PM IST  |  નવી દિલ્હી

ભારતમાં વાયુ પ્રદુષણના કારણે લોકોની સરેરાશ ઉમર 2.6 વર્ષ ઘટી

ભારતમાં વાયુ પ્રદુષણ વધ્યું

ભારત સરકાર છેલ્લા ઘણા સમયથી પ્રદુષણને લઇને ઘણી સક્રિય થઇ છે. તેમ છતાં મળી રહેલ એક રીપોર્ટ પ્રમાણે વાયુ પ્રદૂષણના કારણે જોખમી રોગોથી ભારતમાં અંદાજીત સરેરાશ ઉંમરમાં 2.6 વર્ષનો ઘટાડો જોવા મળ્યો છે. પર્યાવરણ ક્ષેત્રમાં કામ કરતી સંસ્થા સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયર્ન્મેન્ટ (CSE)ના તાજેતરના એક રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે.


પ્રદુષણનું પ્રમાણે ઘરની બહાર અને અંદર બંને જગ્યાએ વધુ

પ્રદુષણનું સર્વે કરનાર CSEએ જણાવ્યું કે, ઘરની બહારનું અને અંદરનું વાતાવારણ બંને જગ્યાએ વાયુ પ્રદૂષણ જીવલેણ રોગોને નોતરી રહ્યું છે. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, 'વાયુ પ્રદૂષણ ભારતમાં આરોગ્ય સંબંધિત તમામ જોખમોમાં મૃત્યુ થવાનું ત્રીજું સૌથી મોટું કારણ બની રહ્યું છે. તેના પછી તરત જ ધૂમ્રપાનથી થતાં મૃત્યુનો ક્રમ આવે છે. આ જોખમ હવામાં તરતા પર્ટિક્યુલેટ મેટર 2.5 કણો, ઓઝોન અને ઘરની અંદરનું વાયુ પ્રદૂષણની સામૂહિક અસર છે.'


દક્ષિણ એશિયાના લોકો પણ સરેરાશ ઉંમર પણ 2.6 વર્ષ ઘટી

એક સર્વે કરવામાં આવ્યો હતો જેના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વાયુ પ્રદૂષણની સામૂહિક અસરના કારણે ભારતીયો સહિત દક્ષિણ એશિયાના લોકોની સરેરાશ ઉંમર 2.6 વર્ષ ઘટી ગઈ છે. વિશ્વભરમાં પ્રદૂષણને કારણે જે અકાળ મૃત્યુ થઈ રહ્યા છે તેના કરતા ભારતમાં આ દર ત્રણ ગણો વધારે છે. રિપોર્ટ અનુસાર, 'દુનિયામાં આજે જન્મેલું કોઈ બાળક વાયુ પ્રદૂષણની સ્થિતિને કારણે આશરે 20 મહિના વહેલું મૃત્યુ પામશે, જ્યારે ભારતમાં લોકોનું મૃત્યુ ધારણા કરતાં 2.6 વર્ષ વહેલું થઈ જશે.'

આ પણ વાંચો : મોદી ત્રણ કલાક ઊંઘે તો ચાલે, પણ આપણે ઓછું ઊંઘીએ તો કેમ તબિયત બગડે?


વાતાવરણમાં 300 દિવસ સુધી રહે છે ખરાબ વાયુ ગુણવત્તા
કેન્દ્રીય પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે વિશ્વ પર્યાવરણ દિવસ પર કહ્યું હતું કે, વર્ષ 2014માં ખરાબ વાયુ ગુણવત્તા 300 દિવસ સુધી રહેતી હતી, જે આ વર્ષે ઓછી થઇને 206 દિવસ થઈ ગઈ છે. ભૂતપૂર્વ પર્યાવરણ પ્રધાન હર્ષવર્ધને અગાઉ વાયુ પ્રદૂષણ અંગે વૈશ્વિક અહેવાલને નામંજૂર કર્યો હતો, જે મુજબ દેશમાં ઝેરી હવાને લીધે 12 લાખ લોકોનું મૃત્યુ થયું હતું. તેમણે કહ્યું હતું કે આવા અભ્યાસો ફક્ત લોકોમાં ગભરાટ પેદા કરવા માટે થતા હોય છે.