હવે ઘેરબેઠા જ બની જશે ડ્રાઇવિંગ લાઇસન્સ! : નવી ગાઇડલાઇન જાહેર

15 April, 2021 12:09 PM IST  |  New Delhi | Agency

ઍપ્લિકેશનથી લઈ લાઇસન્સ પ્રિન્ટિંગ સુધી આખી પ્રોસેસ ઑનલાઇન હશે. તેની સાથે જ ઇલેક્ટ્રોનિક સર્ટિફિકેટ અને ડોક્યુમેન્ટનો ઉપયોગ મેડિકલ સર્ટિફિકેટ્સ, લર્નિંગ લાઇસન્સ, ડ્રાઇવિંગ લાઇસન્સ સરેન્ડર અને તેની રિન્યુઅલ માટે કરી શકાય છે.

પ્રતીકાત્મક તસવીર

નવી દિલ્હી : (જી.એન.એસ.) કોરોનાની બીજી લહેર ખૂબ જ ઝડપથી વધી રહી છે. જો તમે આ વાતથી પરેશાન છો કે તમારે ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવાનું છે અથવા તેને રિન્યુઅલ કરાવવાનું છે, તો તેના માટે તમારે ક્યાંય જવું નહીં પડે. હાઇવે અને રોડ ટ્રાન્સપોર્ટ વિભાગે ડ્રાઇવિંગ લાઇસન્સને બનાવવા અને તેના રિન્યુઅલ માટે નવી ગાઇડલાઇન જાહેર કરી છે.
નવા નિયમ મુજબ લર્નિંગ લાઇસન્સ મેળવવાની સંપૂર્ણ પ્રક્રિયા ઑનલાઇન હશે. એટલે ઍપ્લિકેશનથી લઈ લાઇસન્સ પ્રિન્ટિંગ સુધી આખી પ્રોસેસ ઑનલાઇન હશે. તેની સાથે જ ઇલેક્ટ્રોનિક સર્ટિફિકેટ અને ડોક્યુમેન્ટનો ઉપયોગ મેડિકલ સર્ટિફિકેટ્સ, લર્નિંગ લાઇસન્સ, ડ્રાઇવિંગ લાઇસન્સ સરેન્ડર અને તેની રિન્યુઅલ માટે કરી શકાય છે.
નવા વાહનના રજિસ્ટ્રેશનની પ્રક્રિયા સહેલાઇથી થઈ જાય એ જ આ ગાઇડલાઇન પાછળનો હેતુ છે. રજિસ્ટ્રેશન સર્ટિફિકેટનું રિન્યુઅલ હવે ૬૦ દિવસ એડવાન્સમાં કરી શકાય છે. તેના માટે ટેમ્પરરી રજિસ્ટ્રેશનની સમયમર્યાદા પણ હવે ૧ મહિનાથી વધારી ૬ મહિના કરી દેવામાં આવી છે.
માર્ચના અંતમાં હાઇવે અને ટ્રાન્સપોર્ટ વિભાગે વધી રહેલા કોરોના સંકટને જોતા મોટર વેહિકલ ડોક્યુમેન્ટ જેવાં કે ડ્રાઇવિંગ લાઇસન્સ, રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ, ફિટનેસ સર્ટિફિકેટ, પરમિટ વગેરેની માન્યતા વધારી ૩૦ જૂન ૨૦૨૧ કરી છે. વિભાગે એક સર્ક્યુલર બહાર પાડ્યો છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે જે ડોક્યુમેન્ટ ૧ ફેબ્રુઆરી ૨૦૨૦ના રોજ એક્સપાયર થઈ ગયા હતા, તેને ૩૦ જૂન ૨૦૨૧ સુધી માન્યતા આપવામાં આવે છે.

national news