માનવરહિત ફાઇટર ઍરક્રાફ્ટની પહેલી ફ્લાઇટમાં ડીઆરડીઓને સફળતા મળી

02 July, 2022 09:19 AM IST  |  Bangalore | Gujarati Mid-day Correspondent

ડીઆરડીઓની મુખ્ય રિસર્ચ લૅબોરેટરી બૅન્ગલોર સ્થિત ઍરોનૉટિકલ ડેવલપમેન્ટ એસ્ટૅબ્લિશમેન્ટ દ્વારા એને ડિઝાઇન અને ડેવલપ કરવામાં આવ્યું છે

કર્ણાટકના ચિત્રદુર્ગમાં ઍરોનૉટિકલ ટેસ્ટ રેન્જ ખાતે ઑટોનોમસ ફ્લાઇંગ વિંગ ટેક્નૉલૉજી ડેમોન્સ્ટ્રેટરની પહેલી ઉડાનનું સફળતાપૂર્વક સંચાલન કરાયું હતું.

ડીઆરડીઓ (ડિફેન્સ રિસર્ચ ઍન્ડ ડેવલપમેન્ટ ઑર્ગેનાઇઝેશન)એ ઑટોનોમસ ફ્લાઇંગ વિન્ગ ટેક્નૉલૉજી ડેમોન્સ્ટ્રેટરની પહેલી ઉડાનનું સફળતાપૂર્વક સંચાલન કર્યું હતું. ડીઆરડીઓએ ગઈ કાલે જાહેર કરેલા એક સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે કર્ણાટકના ચિત્રદુર્ગમાં ઍરોનૉટિકલ ટેસ્ટ રેન્જ ખાતે આ કવાયત કરવામાં આવી હતી. આ ઍરક્રાફ્ટ કોઈ પાઇલટ વિના ઉડાન ભરી શકે છે, એટલું જ નહીં, ટેક-ઑફથી લઈને લૅન્ડિંગ સુધીની તમામ કામગીરી ઑટોનોમસ થાય છે.

આ ફ્લાઇટની વધુ વિગતો વિશે સ્ટેટમેન્ટમાં જણાવાયું હતું કે ‘આ ઍરક્રાફ્ટને સંપૂર્ણપણે ઑટોનોમસ મોડમાં ચલાવાયું હતું. ઍરક્રાફ્ટે ઉડાન ભરીને, લોકેશન સુધી પહોંચીને સ્મૂધ રીતે લૅન્ડ પણ કર્યું હતું. આમ એક રીતે સમગ્ર ફ્લાઇટ પર્ફેક્ટ રહી હતી. આ ઍરક્રાફ્ટ આવી વ્યૂહાત્મક ડિફેન્સ ટેક્નૉલૉજીમાં આત્મનિર્ભર બનવાની દિશામાં નોંધપાત્ર પગલું છે.’

ડીઆરડીઓની મુખ્ય રિસર્ચ લૅબોરેટરી બૅન્ગલોર સ્થિત ઍરોનૉટિકલ ડેવલપમેન્ટ એસ્ટૅબ્લિશમેન્ટ દ્વારા એને ડિઝાઇન અને ડેવલપ કરવામાં આવ્યું છે.

સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે ટ્વીટ કર્યું હતું કે ‘ચિત્રદુર્ગ એટીઆરથી ઑટોનોમસ ફ્લાઇંગ વિન્ગ ટેક્નૉલૉજી ડેમોન્સ્ટ્રેટરની પહેલી સફળ ફ્લાઇટ બદલ ડીઆરડીઓને અભિનંદન. જે ઑટોનોમસ ઍરક્રાફ્ટની દિશામાં એક મોટી સિદ્ધિ છે.’  

national news