13 September, 2023 10:15 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ડૉ. વિષ્ણુ પંડ્યા
ગુજરાતના પ્રખ્યાત લેખક-પત્રકાર ડૉ. વિષ્ણુ પંડ્યાનું વિવિધ પ્રદેશોના ૧૮ સાહિત્યકાર ભાષા-કર્મચારીઓની સાથે કાંચી કામકોટિ પીઠના શંકરાચાર્ય જગદ્ગુરુ શંકર વિજયેન્દ્ર સરસ્વતીના વરદ હસ્તે સન્માન થશે.
૧૪ સપ્ટેમ્બરે વારાણસીમાં હિન્દુસ્તાન સમાચાર સંસ્થા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં દેશના ૧૮ જેટલા પ્રદેશોમાં સાહિત્ય અને પત્રકારત્વમાં મહત્ત્વનું પ્રદાન કરનાર મહાનુભાવોનું સન્માન થશે. એમાં અયોધ્યાના મુખ્ય મહંત મિથિલેશ આચાર્ય અતિથિવિશેષ તરીકે ઉપસ્થિત રહેશે. ઉત્તર પ્રદેશ સરકારના ઉપ મુખ્ય પ્રધાન કેશવપ્રસાદ મૌર્ય અને હિન્દુસ્તાન સમાચારના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ માર્ડિકર ઉપસ્થિત રહીને ‘પંચપ્રાણ ભાષા અને સમૃદ્ધ ભારત’ પર પોતાના વિચાર વ્યક્ત કરશે.
‘ભારતીય ભાષા સન્માન દિવસ’ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાતમાંથી ડૉ. વિષ્ણુ પંડ્યાનું સન્માન થશે. સાહિત્ય, ઇતિહાસ, પત્રકારત્વ, રાજકીય સમીક્ષાનાં તેમનાં કુલ પુસ્તકોની સંખ્યા ૧૫૦ થઈ છે, એ ગુણવત્તામાં પણ એટલાં જ આવકાર પામ્યાં છે.
વિષ્ણુ પંડ્યાને ૨૦૧૭માં રાષ્ટ્રપતિના વરદ હસ્તે શ્રેષ્ઠ નાગરિક સન્માન ‘પદ્મશ્રી’ પ્રાપ્ત થયું હતું. તેઓ આંતરરાષ્ટ્રીય હિન્દી સાહિત્ય ભારતીના માર્ગદર્શક પણ છે.