જેએનયુ હિંસાના મામલે દિલ્હી પોલીસની કામગીરી પર શંકાનાં વાદળ ઘેરાયાં

12 January, 2020 04:25 PM IST  |  Mumbai Desk

જેએનયુ હિંસાના મામલે દિલ્હી પોલીસની કામગીરી પર શંકાનાં વાદળ ઘેરાયાં

જેએનયુમાં થયેલી હિંસાને લઈને શુક્રવારે દિલ્હી પોલીસ તરફથી પ્રેસ-કૉન્ફરન્સ કરીને કેટલાંક તથ્યોને સામે રાખવાનો પ્રયત્ન કર્યો, પણ દિલ્હી પોલીસ અધૂરી તૈયારીઓ સાથે મીડિયાની સામે આવી હતી. પોલીસે બન્ને પક્ષના હુમલાખોરોની તસવીરો જાહેર કરી. જેમાં એક તસવીરમાં નામ કોઈનું અને વ્યક્તિ કોઈ બીજી જ હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત પોલીસ પર ભેદભાવનો પણ આરોપ લાગી રહ્યો છે, કારણકે તેમણે ડાબેરી પક્ષોના આરોપી હુમલાખોરોનું નામ લીધું પણ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનું નામ લેવાથી દૂરી રાખી હતી.

એક વિડિયોમાં ૫ જાન્યુઆરીએ બપોરે ૩.૪૫ વાગ્યે કેટલાક બુકાનીધારી વિદ્યાર્થીઓ દેખાઈ રહ્યા છે જે કદાચ પેરિયાર હૉસ્ટેલ જઈ રહ્યા હતા. તેમની સાથે જેએનયુ વિદ્યાર્થી સંઘની અધ્યક્ષા આઈશી ઘોષ પણ દેખાઈ રહી છે. જોકે, વિડિયોમાં કોઈના હાથમાં હથિયાર નથી. બીજી તરફ બુકાનીધારીની એક ભીડ હથિયાર લઈને રાતે આવી અને તેમણે સાબરમતી હૉસ્ટેલ પર હુમલો કર્યો. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ હુમલો દિવસે કરેલા હુમલાનો બદલો લેવા માટે કરવામાં આવ્યો હતો. બીજો હુમલો ઘણો ઉગ્ર હતો. આઈશી અને એક પ્રોફેસરના માથા પર ઈજા થઈ અને કુલ ૩૬ લોકો ઘાયલ થયા.

jawaharlal nehru university delhi new delhi