નરેન્દ્ર મોદીનું વડા પ્રધાનપદ જશે : શરદ પવાર

24 October, 2018 03:52 AM IST  | 

નરેન્દ્ર મોદીનું વડા પ્રધાનપદ જશે : શરદ પવાર

લોકસભાની આગામી ચૂંટણીમાં દેશમાં સત્તાનું પરિવર્તન થશે અને નરેન્દ્ર મોદીએ વડા પ્રધાનપદ ગુમાવવું પડશે એવી આગાહી NCPના સર્વે‍સર્વા શરદ પવારે કરી હતી.

૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં રાજ્યમાં અને કેન્દ્રમાં સત્તામાં પરિવર્તન થશે અને જે લોકો અત્યારે સત્તામાં છે તેમને ફરી બહુમત મળે એવું લાગતું નથી એમ એક ચૅનલ દ્વારા આયોજિત ચર્ચામાં જણાવતાં પીઢ રાજકારણી શરદ પવારે ઉમેર્યું હતું કે ‘આ ચૂંટણીમાં કોઈ પણ એક પાર્ટી બહુમત મેળવી શકશે નહીં અને એવી સ્થિતિમાં મારી ભૂમિકા અત્યંત મહત્વની હશે. વડા પ્રધાનપદે કોણ બેસે એ માટે હું નિર્ણાયક ભૂમિકામાં હોઈશ અને નરેન્દ્ર મોદીને હું વડા પ્રધાન બનાવવા માટે સમર્થન આપીશ નહીં.’

નરેન્દ્ર મોદીની પ્રતિમા અટલ બિહારી વાજપેયી જેવી નથી એમ જણાવતાં શરદ પવારે કહ્યું હતું કે ‘બન્નેના વ્યક્તિત્વમાં ખાસ્સો ફરક છે. આથી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ગઠબંધનની સરકાર બનાવવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. બધા જ રાજકીય પક્ષો સાથે મારે સારા સંબંધો છે, આથી જેની પાસે વધારે સંખ્યાબળ હશે તેને તક આપવામાં આવશે.’

વડા પ્રધાનપદની રેસમાં તમે છો કે નહીં એવા સવાલને તેમણે સ્પષ્ટ શબ્દોમાં નકારી કાઢ્યો હતો.

૨૦૧૯માં ૨૦૦૪ની ચૂંટણીનાં પરિણામોનું પુનરાવર્તન જોવા મળશે એમ કહીને તેમણે જણાવ્યું હતું કે ‘૨૦૦૪માં એકેય પક્ષને બહુમત મળ્યો નહોતો. ૨૦૧૯માં પણ આવું જ થશે. ૨૦૦૪માં તો ચૂંટણી બાદ બધા જ પક્ષોએ મનમોહન સિંહના નેતૃત્વને સમર્થન આપ્યું હતું અને એટલે તેઓ વડા પ્રધાન બન્યા હતા, પરંતુ અત્યારે નરેન્દ્ર મોદીનું નેતૃત્વ બધાને માન્ય રહેવાની શક્યતા ન હોવાથી તેમણે સત્તા ગુમાવવી પડશે.’

આગામી લોકસભાની ચૂંટણીમાં વિરોધપક્ષોનું મહાગઠબંધન થાય એવી શક્યતા જણાતી નથી એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે ‘હું બધા જ BJP વિરોધી પક્ષોને એકછત્ર હેઠળ લાવવા પ્રયત્ન કરી રહ્યો છું જેથી સત્તાધારી પક્ષને સત્તામાંથી નીચે ઉતારી શકાય, પરંતુ આ મને શક્ય લાગતું નથી.’