ટ્રમ્પે તાઇવાનના પ્રમુખ જોડે વાત કરી એટલે ચીન ભડક્યું

04 December, 2016 06:46 AM IST  | 

ટ્રમ્પે તાઇવાનના પ્રમુખ જોડે વાત કરી એટલે ચીન ભડક્યું



અમેરિકાના ચૂંટાયેલા પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે તેમના દેશની રાજદ્વારી નીતિ તોડીને તાઇવાનના પ્રેસિડેન્ટ સાઇ ઇન્ગ-વેન સાથે ટેલિફોન પર વાત કરીને ચીન સાથે ગંભીર મતભેદનું જોખમ વહોરી લીધું છે. અમેરિકાએ ૧૯૭૯માં તાઇવાન સાથેના સત્તાવાર રાજદ્વારી સંબંધો કાપી નાખ્યા હતા.

ચીને ડોનલ્ડ ટ્રમ્પની તાઇવાનના પ્રમુખ સાથેની વાતચીતની ગંભીર નોંધ લઈને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો અને વન-ચાઇના પૉલિસી વિશેના એના કમિટમેન્ટને પાળવાનું અમેરિકાને યાદ કરાવ્યું હતું. ચીને કહ્યું હતું કે તાઇવાન ચીનનો અવિભાજ્ય હિસ્સો છે અને ચીની સરકાર જ તાઇવાનનું પ્રતિનિધિત્વ કરે છે.

તાઇવાનના નેતા સાથે સીધી વાતચીત ન કરવાની અમેરિકન રાજદ્વારી નીતિને તોડીને ડોનલ્ડ ટ્રમ્પે તાઇવાનના પ્રમુખ સાથે વાત કરી એ પછી ચીને કહ્યું હતું કે ‘વન-ચાઇના નીતિ અમેરિકા તથા ચીનના સ્વસ્થ વિકાસના પાયાનો પથ્થર છે. એ રાજકીય પાયાને કોઈ નુકસાન કરવામાં નહીં આવે એવી અમને આશા છે.’

ડોનલ્ડ ટ્રમ્પના ફોનકૉલને કારણે ચીન આશ્ચર્યચકિત થઈ ગયું હતું, પણ એના વિદેશપ્રધાનના ઝડપી પ્રતિભાવને પગલે બીજિંગના આકરા પ્રતિભાવની અન્યોની અપેક્ષા પર પાણી ફરી વળ્યું હતું. ડોનલ્ડ ટ્રમ્પ આગામી મહિને પ્રમુખ તરીકે પદભાર સંભાળે એ પછી તેમની સાથે એકદમ સારો સંબંધ સ્થાપવાની ચીનની ઇચ્છા છે.