22 April, 2026 07:54 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
રાજનાથ સિંહ (મિડ-ડે)
ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે, ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે જર્મનીમાં એક મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે ભારતે ઈરાન અને અમેરિકા વચ્ચે વચ્ચે મધ્યસ્થી કરવાનો પ્રયાસ કર્યો હતો. આવા દરેક પ્રયાસ માટે યોગ્ય સમય હોય છે, અને હાલમાં, પરિસ્થિતિઓ સંપૂર્ણપણે અનુકૂળ નથી.
જર્મનીમાં મીડિયા સાથેની વાતચીત દરમિયાન, રાજનાથ સિંહને પૂછવામાં આવ્યું કે શું ભારત પશ્ચિમ એશિયાઈ સંકટમાં ભૂમિકા ભજવી શકે છે. જવાબમાં, તેમણે નોંધ્યું કે ભારતે પોતાના તરફથી પહેલ કરી છે, પરંતુ આવી કટોકટીમાં, પરિસ્થિતિઓ ઘણીવાર અવરોધ તરીકે કામ કરે છે. તેમણે વધુમાં ઉમેર્યું કે ભવિષ્યમાં એવો સમય આવી શકે છે જ્યારે ભારતની ભૂમિકા સફળ સાબિત થઈ શકે છે.
રક્ષા પ્રધાને ખુલાસો કર્યો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ બાબતમાં સક્રિય ભૂમિકા ભજવી હતી. તેમણે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન સાથે ફોન પર વાત કરી હતી, અને સંઘર્ષનો અંત લાવવાની અપીલ કરી હતી. રાજનાથ સિંહે વડા પ્રધાનના અભિગમને સંતુલિત અને રાજદ્વારી બન્ને ગણાવ્યો હતો.
8 એપ્રિલના રોજ અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ સ્થાપિત થયો. ત્યારબાદ, અને પાકિસ્તાનની મધ્યસ્થી દ્વારા, બન્ને દેશોના પ્રતિનિધિમંડળો વચ્ચે પહેલીવાર સીધી વાટાઘાટો 11 અને 12 એપ્રિલના રોજ ઈસ્લામાબાદમાં થઈ. યુએસ પ્રતિનિધિમંડળનું નેતૃત્વ જેડી વાન્સે કર્યું હતું, જ્યારે મોહમ્મદ બાઘર ગાલિબાફે ઈરાની પક્ષનું પ્રતિનિધિત્વ કર્યું હતું. લગભગ 21 કલાક ચાલેલી વાટાઘાટો કોઈ નક્કર સર્વસંમતિ પ્રાપ્ત કરવામાં નિષ્ફળ ગઈ અને ત્યારબાદ પૂર્ણ થઈ.
શાંતિ બેઠકનો પ્રથમ રાઉન્ડ પછી, ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનના વડા પ્રધાન શેહબાઝ શરીફ અને આર્મી ચીફ અસીમ મુનીરની પ્રશંસા કરી. ત્યારબાદ, અસીમ મુનીરે તેહરાનની મુલાકાત લીધી, જેનાથી ચર્ચા ફરી શરૂ થવાની આશા જાગી. જોકે, ઈરાની પ્રતિનિધિમંડળ ઈસ્લામાબાદ પહોંચવામાં નિષ્ફળ ગયું; પરિણામે, યુએસ પ્રતિનિધિમંડળે પણ તેમની મુલાકાત રદ કરી, અને વાટાઘાટોનો બીજો રાઉન્ડ થઈ શક્યો નહીં.
બેઠક મુલતવી રાખ્યા પછી, ડોનાલ્ડ ટ્રમ્પે યુદ્ધવિરામ અનિશ્ચિત સમય માટે લંબાવવાનો નિર્ણય કર્યો. તેમણે જણાવ્યું હતું કે આ પગલું શેહબાઝ શરીફ અને અસીમ મુનીરની વિનંતી પર લેવામાં આવ્યું હતું, જેનો ઉદ્દેશ્ય ઈરાનને નક્કર પ્રસ્તાવ સાથે વાટાઘાટોના ટેબલ પર પાછા ફરવા માટે પ્રોત્સાહિત કરવાનો હતો.