હનુમાનજીની મૂર્તિની સતત પરિક્રમા કરતા ચમત્કારી કૂતરાને બીમારી હોવાનું જાણવા મળ્યું

26 January, 2026 09:53 AM IST  |  Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

સ્વૈચ્છિક સંસ્થાના નિષ્ણાતોએ તપાસીને આ ડૉગીને ઍનાપ્લાઝમા નામનું ચેતાતંત્રનું સંક્રમણ લાગ્યું હોવાનું નિદાન કર્યું હતું

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

‍ઉત્તર પ્રદેશના બિજનૌરમાં હનુમાનજીની મૂર્તિની ચોતરફ અવિરત પરિક્રમા કરતા રહેતા કૂતરાને લોકો અનોખો ભક્ત સમજીને પૂજવા લાગ્યા હતા અને એનાં દર્શન કરવા લોકોની લાઇનો લાગવા લાગી હતી. હનુમાનજીની પ્રતિમા પછી તે દેવી દુર્ગાની મૂર્તિની પરિક્રમા કરવા લાગ્યો છે. ગ્રામીણોએ એને ભૈરવનું ઉપનામ આપીને પૂજવાનું શરૂ કરી દીધું છે ત્યારે આ કૂતરાની તપાસ કરીને પ્રાણીનિષ્ણાતોનું કહેવું છે કે કૂતરો બીમાર છે. એને ન્યુરોલૉજિકલ બીમારી હોવાથી એ સતત ચાલતો રહે છે. કૂતરાને ટિક ફીવર નામનો બૅક્ટેરિયલ ચેપ લાગ્યો હતો. આ ચેપની અસર એના ચેતાતંત્ર પર થઈ હતી અને એને કારણે સંતુલન ગુમાવવાને કારણે એ ગોળ-ગોળ ઘૂમવા લાગ્યો હતો. દિવસો સુધી સતત ચાલતા રહેતા આ ડૉગની હાલત ભૂખ અને તરસને કારણે ખરાબ થઈ ગઈ હતી. એને કારણે ઍનિમલ ઍક્ટિવિસ્ટ સંધ્યા રસ્તોગીની ટીમે એને રેસ્ક્યુ કરવાનું નક્કી કર્યું હતું. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની વચ્ચેથી લઈ જવાનું શક્ય ન હોવાથી રાતના સમયે શ્રદ્ધાળુઓ ન હોય ત્યારે કૂતરાને ત્યાંથી લઈને ડૉક્ટર પાસે લઈ જવામાં આવ્યો હતો. સ્વૈચ્છિક સંસ્થાના નિષ્ણાતોએ તપાસીને આ ડૉગીને ઍનાપ્લાઝમા નામનું ચેતાતંત્રનું સંક્રમણ લાગ્યું હોવાનું નિદાન કર્યું હતું અને જરૂરી સારવાર શરૂ કરી હતી. દવાઓ શરૂ થયા પછી ભૈરવ હવે બહેતર છે અને સાજો થઈ ગયા પછી એને ફરી બિજનૌર છોડી મૂકવામાં આવશે.

national news india uttar pradesh viral videos social media