28 May, 2026 07:07 AM IST | Dubai | Gujarati Mid-day Correspondent
સુપ્રીમ કોર્ટ
સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ની કાયદેસરતાને સમર્થન આપતાં સુપ્રીમ કોર્ટે ગઈ કાલે જણાવ્યું હતું કે આ કવાયત હેઠળ મતદારયાદીમાંથી નામો કાઢી નાખવાથી નાગરિકતા નક્કી થતી નથી. ચીફ જસ્ટિસ સૂર્યકાંત અને ન્યાયાધીશ જોયમલ્યા બાગચીની બેન્ચે જણાવ્યું હતું કે SIR પ્રક્રિયા હેઠળ હાથ ધરવામાં આવેલી તપાસ નાગરિકતાનું નિર્ધારણ નહોતું અને એ ફક્ત ચૂંટણીમાં ભાગ લેવા સુધી મર્યાદિત હતું.
આ ચુકાદો મહત્ત્વપૂર્ણ છે કારણ કે અરજદારો અને વિપક્ષે દલીલ કરી હતી કે ચૂંટણીપંચ દ્વારા હાથ ધરવામાં આવતી SIR કવાયત પાછળના બારણે નાગરિકતાની ચકાસણી માટેની કવાયત હતી.
ચૂંટણીપંચ નાગરિકતા નક્કી કરી શકે છે કે કેમ એ મોટા પ્રશ્ન પર સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ‘ચૂંટણીપંચ મતદારયાદીમાંથી સંબંધિત વ્યક્તિનો સમાવેશ કે બાકાત રાખવાના મર્યાદિત દૃષ્ટિકોણથી એની તપાસ કરી શકે છે. ચૂંટણીપંચ નામ કાઢી શકે છે, પરંતુ એનો અર્થ એ નથી કે આવી વ્યક્તિ હવે ભારતની નાગરિક નથી. નાગરિકતાના નિર્ધારણ સાથે એનો કોઈ સંબંધ નથી.’
આનો અર્થ એ છે કે SIR કવાયત હેઠળ મતદારયાદીમાંથી કોઈ પણ બાકાત વ્યક્તિને નાગરિકતાથી વંચિત રાખતી નથી. કોર્ટે ચૂંટણીપંચની સત્તાઓને પણ સ્પષ્ટ રીતે વર્ણવી હતી. આ મુદ્દે કોર્ટે કહ્યું હતું કે મતદારયાદીમાં સમાવેશ માટે પાત્રતા અંગે સંતોષ મેળવવાના મર્યાદિત હેતુ માટે ચૂંટણીપંચને નાગરિકત્વ અંગે અર્થપૂર્ણ તપાસ કરવાની સત્તા છે.
નાગરિકતાનો પુરાવો શું ગણાય?
હવે મોટો પ્રશ્ન એ છે કે નાગરિકતાનો પુરાવો શું ગણાય? આ વાત સુસંગત છે કારણ કે સુપ્રીમ કોર્ટ અને ચૂંટણીપંચે અગાઉ કહ્યું છે કે આધાર કાર્ડ નાગરિકતાનો પુરાવો નથી. SIR પ્રક્રિયા દરમ્યાન સક્ષમ મ્યુનિસિપલ અથવા સરકારી અધિકારી દ્વારા જાહેર કરાયેલું બર્થ-સર્ટિફિકેટ, જિલ્લા મૅજિસ્ટ્રેટ દ્વારા અપાયેલું નિવાસ પ્રમાણપત્ર, સ્કૂલનો રેકૉર્ડ, પાસપોર્ટ અને જમીનના રેકૉર્ડને પુરાવા તરીકે સ્વીકારવામાં આવતા હતા. સુપ્રીમ કોર્ટે હવે નાગરિકતા નક્કી કરવાની જવાબદારી ગૃહમંત્રાલય પર મૂકી દીધી છે ત્યારે કેન્દ્ર દ્વારા શું માર્ગદર્શિકા જાહેર કરવામાં આવે છે એ જોવાનું બાકી છે.