હાલ કોઈ પણ અકાઉન્ટને NPA જાહેર ન કરો : સુપ્રીમ કોર્ટે કેન્દ્રને કહ્યું

11 September, 2020 01:21 PM IST  |  Mumbai | Agencies

હાલ કોઈ પણ અકાઉન્ટને NPA જાહેર ન કરો : સુપ્રીમ કોર્ટે કેન્દ્રને કહ્યું

સુપ્રીમ કોર્ટ

સર્વોચ્ચ અદાલતે વધુ સૂચના ન અપાય ત્યાં સુધી કોઈ પણ બૅન્ક-અકાઉન્ટને નૉન પર્ફોર્મિંગ અસેટ (NPA) જાહેર નહીં કરવાના આદેશની મુદત લંબાવી હતી. કોરોના રોગચાળાને કારણે ધિરાણોની પરત ચુકવણી સ્થગિત કે મોકૂફ કરવા સંબંધી આદેશ મોરેટોરિયમ પિરિયડમાં ન ચૂકવાયેલા હપ્તા પર બૅન્કોના વ્યાજદર બાબતે નિષ્ણાતોની સમિતિ નિયુક્ત કરવામાં આવી હોવાનું કેન્દ્ર સરકારે જણાવ્યા પછી અદાલતે ઉપરોક્ત આદેશ આપ્યો હતો. મોરેટોરિયમ પિરિયડમાં મોકૂફ રાખવામાં આવેલી હપ્તાની ચુકવણી પર વ્યાજ લાગુ કરવા વિરુદ્ધ કરવામાં આવેલી અરજીઓની સુનાવણીમાં કેન્દ્ર સરકાર, રિઝર્વ બૅન્ક તથા અન્ય બૅન્કોએ લીધેલા નિર્ણયો અદાલતના રેકૉર્ડ પર મૂકવાનો આદેશ વડી અદાલતની બેન્ચે આપ્યો હતો.
બૅન્કો તથા નાણાકીય સંસ્થાઓ પાસેથી લીધેલી લોનના હપ્તા મોકૂફ રાખવાના આદેશની મુદત લંબાવવા તથા વ્યાજ માફ કરવાની માગણી કરતી અરજીઓના અનુસંધાનમાં કેન્દ્ર સરકારને વિગતવાર ઍફિડેવિટ ફાઇલ કરવાનો આદેશ સર્વોચ્ચ અદાલતે આપ્યો હતો. ઍડ્વોકેટ વિશાલ તિવારીની જનહિતની અરજી સહિતની કેટલીક અરજીઓની સુનાવણી બે અઠવાડિયાં પછીની તારીખ પર મુલતવી રાખતાં ન્યાયમૂર્તિ અશોક ભૂષણની અધ્યક્ષતા હેઠળની બેન્ચે ઉપરોક્ત આદેશ આપ્યો હતો.

national news supreme court