રૉબર્ટ વાડ્રાની કંપનીની કાર્યપદ્ધતિ : જેની પાસેથી જમીન ખરીદી એને લગભગ છ ગણા ભાવે વેચી

29 April, 2017 08:15 AM IST  | 

રૉબર્ટ વાડ્રાની કંપનીની કાર્યપદ્ધતિ : જેની પાસેથી જમીન ખરીદી એને લગભગ છ ગણા ભાવે વેચી



કૉન્ગ્રેસનાં પ્રમુખ સોનિયા ગાંધીના જમાઈ રૉબર્ટ વાડ્રાની એક કંપનીને લૅન્ડ લાઇસન્સ આપવામાં આચરવામાં આવેલી ગેરરીતિની તપાસ કરી ચૂકેલા જસ્ટિસ એસ. એન. ઢીંગરા પંચની ભલામણ અનુસાર પગલાં લેવાની જાહેરાત હરિયાણાના મુખ્ય પ્રધાન મનોહર ખટ્ટરે ગઈ કાલે કરી હતી.

બીજી તરફ ઢીંગરા પંચના અહેવાલની વિગત બહાર આવી રહી છે. જમીનસોદાઓ સંબંધે પ્રિયંકા ગાંધીએ રજૂ કરેલા બચાવને પગલે રાજકીય ચર્ચા ફાટી નીકળી છે. હરિયાણાના ફરીદાબાદ જિલ્લાના અમીપુર ગામમાં પ્રિયંકા ગાંધી અને તેમના પતિ રૉબર્ટ વાડ્રાએ એક જ વ્યક્તિ પાસેથી જમીન ખરીદી હતી અને એ જમીન ફરીથી એ વ્યક્તિને જ વેચી હતી. પ્રિયંકા ગાંધીએ ગુડગાંવના હરબંસલાલ પાહવા પાસેથી પાંચ એકર જમીન ૧૫ લાખ રૂપિયામાં ૨૦૦૬ના એપ્રિલમાં ખરીદી હતી અને ત્રણ વર્ષ બાદ ૨૦૦૯ના જૂનમાં એ જમીન હરબંસલાલ પાહવાને ૮૦ લાખ રૂપિયામાં વેચી મારી હતી.

બરાબર એ સમયે રૉબર્ટ વાડ્રાએ અમીપુરમાં બીજા ત્રણ જમીનસોદા કર્યા હતા અને એ સોદાઓમાં પણ જમીન ખરીદનાર ટૂંક સમયમાં જમીન વેચનાર બની ગયો હતો. આ તમામ સોદાઓમાં હરબંસલાલ પાહવા રહસ્યમય વ્યક્તિ બની રહ્યા હતા. તેમણે ત્રણથી ચાર વર્ષના સમયગાળામાં અઢી કરોડ રૂપિયાનું નુકસાન વેઠ્યું હતું.

એક અહેવાલ મુજબ ૨૦૦૮ના એક જમીનસોદામાં રૉબર્ટ વાડ્રાએ ૫૦.૫૦ કરોડ રૂપિયાનો નફો ગેરકાયદે રળ્યો હતો, પણ આ જમીનસોદામાં તેમને એકેય પૈસાનો ખર્ચ થયો નહોતો.