ડાયરેક્ટ કૅશ ટ્રાન્સફર સ્કીમને મુદ્દે કૉન્ગ્રેસ-બીજેપી વચ્ચે શાબ્દિક યુદ્ધ

04 December, 2012 06:32 AM IST  | 

ડાયરેક્ટ કૅશ ટ્રાન્સફર સ્કીમને મુદ્દે કૉન્ગ્રેસ-બીજેપી વચ્ચે શાબ્દિક યુદ્ધ


આ યોજના આચારસંહિતાનો ભંગ હોવાની ફરિયાદ બાદ ચૂંટણી પંચે આ વિશે સરકાર પાસે જવાબ માગ્યો છે. સરકારે આ યોજનાને ચૂંટણી આચારસંહિતાનો ભંગ નથી એમ જણાવતાં એની જાહેરાતને યોગ્ય ગણાવી હતી. ગઈ કાલે માહિતી અને પ્રસારણપ્રધાન મનીષ તિવારીએ બીજેપીને સવાલ પૂછ્યો હતો કે એ આ સ્કીમની તરફેણમાં છે કે વિરોધમાં. તિવારીએ કહ્યું હતું કે ‘લોકોના રૂપિયા સીધા તેમના હાથમાં આવે એવું બીજેપી ઇચ્છે છે કે નહીં? જો ચૂંટણી પંચે આ વિશે કોઈ સ્પષ્ટતા માગી હશે તો એ જરૂર આપવામાં આવશે.’

આ તરફ બીજેપીના પ્રવક્તા રવિશંકર પ્રસાદે કૉન્ગ્રેસને વળતો જવાબ આપતાં કહ્યું હતું કે ‘પાર્ટી દ્વારા સમગ્ર યોજનાનો અભ્યાસ કરવા માટે એક કમિટીની રચના કરી છે. આ કમિટીના રિપોર્ટ બાદ પાર્ટી પોતાનું વલણ નક્કી કરશે. બીજેપી જાહેર વિતરણ વ્યવસ્થાને નાબૂદ કરવાની વિરુદ્ધમાં છે. ડાયરેક્ટ કૅશ ટ્રાન્સફર યોજનાનો પાઇલટ પ્રોજેક્ટ કેમ રાજસ્થાનમાં નિષ્ફળ ગયો તેનો સરકારે જવાબ આપવો પડશે.’