કૉન્ગ્રેસના અધ્યક્ષપદ માટેની રેસમાં દિગ્વિજય પણ ઊતરી શકે

22 September, 2022 08:31 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

દિગ્વિજયે એવા સમયે આ વાત કહી છે જ્યારે અશોક ગેહલોટ અને તેમના હરીફ સચિન પાઇલટની વચ્ચે લડાઈ જામી છે

દિગ્વિજય સિંહ

કૉન્ગ્રેસના અધ્યક્ષપદ માટેની રેસ હવે રોમાંચક અને ઉગ્ર બની છે. દિગ્વિજય સિંહ ગઈ કાલે નવો ટ્વિસ્ટ લાવ્યા હતા. વાસ્તવમાં તેમણે હિન્ટ આપી હતી કે તેઓ અશોક ગેહલોટ અને શશી થરૂરની સાથે આ રેસમાં સામેલ થઈ શકે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે ગેહલોટ આ રેસમાં સૌથી આગળ છે અને જો તેઓ જીતી જશે તો તેમણે ચોક્કસ જ રાજસ્થાનના મુખ્ય પ્રધાનનું પદ છોડવું પડશે.  

દિગ્વિજયે એવા સમયે આ વાત કહી છે જ્યારે અશોક ગેહલોટ અને તેમના હરીફ સચિન પાઇલટની વચ્ચે લડાઈ જામી છે. ગેહલોટના સ્થાને સચિન રાજસ્થાનના સીએમ બની શકે છે. 
કૉન્ગ્રેસે આ વર્ષની શરૂઆતમાં રાજસ્થાનના ઉદયપુરમાં નેતૃત્વની મીટિંગમાં ‘એક વ્યક્તિ, એક પદ’ ઠરાવ પસાર કર્યો હતો. જોકે ગેહલોટે ગઈ કાલે કહ્યું હતું કે તેઓ એક નહીં, પણ એકસાથે ત્રણ પદે પણ રહી શકે છે. તેમણે આમ કહીને સંકેત આપ્યો છે કે તેઓ રાજસ્થાનમાં તેમની ભૂમિકા છોડવા માટે તૈયાર નથી.

દિગ્વિજય સિંહને તેમની ઉમેદવારી વિશે પૂછવામાં આવતાં તેમણે કહ્યું હતું કે ‘દરેકને ચૂંટણી લડવાનો અધિકાર છે. તમને ૩૦ તારીખ (ઉમેદવારીનો છેલ્લો દિવસ)ની સાંજે જવાબ મળી જશે. આ રેસમાં કોઈ ગાંધી નથી, ત્યારે ચિંતાની કોઈ વાત નથી.’

national news congress digvijaya singh