રાહુલને અધ્યક્ષ બનાવવાના દિગ્વિજય સિંહના સૂચનને પગલે કૉન્ગ્રેસમાં નેતૃત્વના મુદ્દે ધમાચકડી

02 November, 2014 05:48 AM IST  | 

રાહુલને અધ્યક્ષ બનાવવાના દિગ્વિજય સિંહના સૂચનને પગલે કૉન્ગ્રેસમાં નેતૃત્વના મુદ્દે ધમાચકડી




કૉન્ગ્રેસમાં ગાંધીપરિવારના મુદ્દે જૂથબંધીની જોરદાર ધમાચકડી શરૂ થઈ ગઈ છે. એક જૂથ સોનિયા અને રાહુલ ગાંધીનો રાજકીય દરજ્જો યથાવત્ રાખવા ઇચ્છે છે, જ્યારે બીજું જૂથ બિનગાંધી નેતામાં કૉન્ગ્રેસનું બહેતર ભવિષ્ય નિહાળી રહ્યું છે.

ગાંધીપરિવારના ભરોસાપાત્ર ગણાતા કૉન્ગ્રેસના મહામંત્રી દિગ્વિજય સિંહે કહ્યું છે કે બહેતર ભવિષ્ય માટે કૉન્ગ્રેસનું નેતૃત્વ રાહુલ ગાંધીને સોંપી દેવું જોઈએ. ભૂતપૂર્વ વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીના વફાદાર માખનલાલ ફોતેદારે આ નિવેદનની આકરી ઝાટકણી કાઢી હતી. કૉન્ગ્રેસનું અધ્યક્ષપદ કોઈ બિનગાંધીને સોંપવાની વાત ભૂતપૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમે પણ થોડા દિવસ પહેલાં કહી હતી.

દિગ્વિજયની સલાહ

ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ વધી રહ્યો છે અને કૉન્ગ્રેસનું વતુર્ળ સમેટાઈ રહ્યું છે ત્યારે આ સમસ્યા ઉકેલવા માટે દિગ્વિજયે સોનિયા-રાહુલને સલાહ તો આપી છે, પણ દિગ્વિજયની સલાહ પર બધા સહમત નથી. રાહુલ ગાંધીને કૉન્ગ્રેસનું વડપણ સોંપવાનું સૂચન કરીને દિગ્વિજયે સોનિયા ગાંધીની ભૂમિકા પણ નક્કી કરી દીધી છે.

ભારતયાત્રા શરૂ કરો

દિગ્વિજયે પત્રકારોને જણાવ્યું હતું કે રાહુલ ગાંધીએ પક્ષનું અધ્યક્ષપદ તરત જ સંભાળી લઈને ભારતયાત્રાએ નીકળી પડવું જોઈએ, જેથી વ્યાપક પ્રમાણમાં લોકસંપર્ક થઈ શકે. રાહુલ ગાંધીના નેતૃત્વને પડકારી શકે એવો કોઈ નેતા કૉન્ગ્રેસમાં નથી એમ કહીને દિગ્વિજયે સોનિયા ગાંધીને યુનાઇટેડ પ્રોગ્રેસિવ અલાયન્સનાં ચૅરપર્સન બની રહેવાનું સૂચન પણ કર્યું છે.

ફોતેદારને ફટકો

માખનલાલ ફોતેદારે જણાવ્યું હતું કે ‘દિગ્વિજય ખુદના ફાયદાની વાત વિચારી રહ્યા છે. રાહુલને કૉન્ગ્રેસનું અધ્યક્ષપદ સોંપવાની સલાહમાં દિગ્વિજયનો સ્વાર્થ છુપાયેલો છે.’

જોકે બીજા એક સિનિયર કૉન્ગ્રેસી અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન આનંદ શર્માએ ક?ાુ હતું કે ‘સોનિયાજી અમારાં પ્રેરણાસ્રોત છે, રાહુલજી યુવાઓને આકર્ષી શકે છે. આ બન્ને અમારું ભવિષ્ય છે અને એ બન્નેથી અમને શક્તિ મળે છે.’

ચિદમ્બરમનું નિવેદન


રાહુલ ગાંધી કૉન્ગ્રેસના અધ્યક્ષ બને એવું કૉન્ગ્રેસના ઘણા મોટા નેતાઓ ઇચ્છે છે, પણ દિગ્વિજયની માફક કોઈ જાહેરમાં આ વાત કહેવા તૈયાર નથી. સોનિયા ગાંધીને પક્ષનાં સર્વેસર્વા ગણાવીને ચિદમ્બરમે એવું કહ્યું હતું કે ‘ગાંધીપરિવારની ન હોય એવી કોઈ વ્યક્તિ પણ કૉન્ગ્રેસનું અધ્યક્ષપદ સંભાળી શકે છે. કૉન્ગ્રેસનો આત્મવિશ્વાસ એકદમ નબળો પડ્યો છે અને સંગઠનમાં ફેરફાર કરવા માટે પક્ષના નેતૃત્વે તત્કાળ પગલાં લેવાની જરૂર છે.’