બીજેપી પ્રત્યે શા માટે કૂણું વલણ? : અણ્ણાને દિગ્વિજયનો પત્ર

12 October, 2011 08:33 PM IST  | 

બીજેપી પ્રત્યે શા માટે કૂણું વલણ? : અણ્ણાને દિગ્વિજયનો પત્ર



હઝારેને લખવામાં આવેલા ચાર પાનાંના પત્રમાં દિગ્વિજય સિંહે પૂછ્યું હતું કે ‘તમે (અણ્ણાએ) અત્યાર સુધીમાં ક્યારેય બીજેપી સામે અવાજ ઉઠાવ્યો નથી.  ગુજરાતમાં છેલ્લાં નવ વર્ષ સુધી લોકાયુક્ત ન હોવા છતાં તમે ત્યાંના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે. એવી વાત ચાલી રહી છે કે બીજેપી તમને આગામી  વર્ષે રાષ્ટ્રપતિપદના ઉમેદવાર તરીકે પસંદ કરવા માગે છે, પરંતુ તમે એનાં આવાં લોભામણાં વચનોથી દૂર રહેજો.’

દિગ્વિજય સિંહે કહ્યું હતું કે ‘શું તમે હરિયાણામાં ભજન લાલ તથા ચૌટાલાના પરિવાર દ્વારા કરવામાં આવેલા ભ્રષ્ટાચારથી પરિચિત નથી? શું તમને તેમના પર  ર્કોટમાં પેન્ડિંગ પડેલા કેસ વિશે ખ્યાલ નથી?’

દિગ્વિજય સિંહે આક્ષેપ મૂક્યો હતો કે ‘તમારી આસપાસ રહેલા સાથીદારો તમારી સ્વચ્છ છબિનો લાભ ઉઠાવી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ, પ્રશાંત ભૂષણ અને  શાંતિ ભૂષણ કૉન્ગ્રેસના વિરોધી છે.’

અમને સર્પોટ કરો

દિગ્વિજય સિંહે કહ્યું હતું કે ‘મને પાગલખાનામાં મોકલી દેવો જોઈએ એવું તમે કહ્યું છે; પરંતુ હું તમને કંઈ કહેતો નથી, કારણ કે હું તમારો આદર કરું છું. તમારે  અમને સર્પોટ કરવો જોઈએ. તમે જો રાજનીતિમાં જોડાવા માગતા હો તો તમારું સ્વાગત છે, પરંતુ તમારે તમારા સાથીદારોની પસંદગી કરી લેવી જોઈએ.’

સંઘ સાથે કનેક્શન

દિગ્વિજય સિંહે પત્રમાં લખ્યું હતું કે ‘તમે ભલે સંઘ સાથેના કનેક્શનનો ઇનકાર કરો, પરંતુ નાગપુરમાં દશેરાની ઉજવણી વખતે આરએસએસ (રાષ્ટ્રીય સ્વયંસેવક  સંઘ)ના અધ્યક્ષ મોહન ભાગવત તમને સર્પોટ જાહેર કરી ચૂક્યા છે. તમે દિલ્હીમાં જનલોકપાલ બિલના મુદ્દે ઉપવાસ કરી રહ્યા હતા ત્યારે આરએસએસના પ્રવક્તા  રામ માધવે સ્ટેજ પર આવીને તમને સર્પોટ જાહેર કર્યો હતો.’