અણ્ણાના આંદોલન પર દિગ્વિજય સિંહનો કટાક્ષ

29 December, 2011 05:34 AM IST  | 

અણ્ણાના આંદોલન પર દિગ્વિજય સિંહનો કટાક્ષ



અણ્ણા હઝારેના ભારે વિરોધ છતાં લોકસભામાં લોકપાલ બિલ પસાર થઈ જતાં કૉન્ગ્રેસના મહાસચિવ દિગ્વિજય સિંહે કટાક્ષ કરીને અણ્ણાના આંદોલન સામે પડકાર ફેંકતાં કહ્યું હતું કે આ બિલ પસાર થઈ જવા દેવા બદલ અણ્ણાએ હવે ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ના નેતા લાલકૃષ્ણ અડવાણીના ઘરની બહાર ધરણાં કરવાં જોઈએ. જોકે તેમણે આ સિદ્ધિ બદલ વડા પ્રધાન મનમોહન સિંહ અને કૉન્ગ્રેસનાં અધ્યક્ષ સોનિયા ગાંધીને શુભેચ્છા 

આપી હતી. પોતાની ટ્વીટમાં દિગ્વિજય સિંહે કહ્યું હતું કે ‘અણ્ણાના આંદોલનમાં મંગળવારે હૈદરાબાદમાં ૧૫૦, કલકત્તામાં ૮૦, મુંબઈમાં ૩૦૦૦, બૅન્ગલોરમાં ૧૫૦, અમદાવાદમાં ૫૦ અને દિલ્હીના રામલીલા મેદાનમાં અંદાજે ૧૦૦૦ લોકોએ પ્રદર્શન કર્યું હતું. તો આ સંજોગોમાં જેલભરો આંદોલન માટે રજિસ્ટ્રેશન કરાવનારા લાખો લોકો ક્યાં ગયા? ટીમ અણ્ણા અને તેમના સમર્થકો હજી પણ કૉન્ગ્રેસ, વડા પ્રધાન અને સોનિયા ગાંધી વિરુદ્ધ બયાનબાજી કરતા રહેશે; કારણ કે તેઓ બીજેપી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સમર્થક છે. હવે બીજેપી જ્યારે રાજ્યસભામાં લોકપાલ બિલ પસાર ન થવા દેવાની કોશિશ કરશે ત્યારે બીજેપી વિરુદ્ધ ટીમ અણ્ણાની પ્રતિક્રિયા સાંભળવાનું રસપ્રદ બની રહેશે. શું હવે અણ્ણા અડવાણીના ઘરની બહાર ધરણાં કરશે? મારું માનવું છે કે અણ્ણા બીજેપી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિરુદ્ધ એક શબ્દ નહીં બોલે.’