ડીઝલમાં લિટરે ૩.૩૭ રૂપિયાનો ઘટાડો

19 October, 2014 03:08 AM IST  | 

ડીઝલમાં લિટરે ૩.૩૭ રૂપિયાનો ઘટાડો




કેન્દ્ર સરકારે ડીઝલના ભાવને ગઈ કાલે સરકારી નિયંત્રણમાંથી મુક્ત કર્યા હતા. સરકારના આ ફેંસલાને કારણે ગઈ કાલે મધરાતથી જ ડીઝલના ભાવમાં લિટરે ૩.૩૭ રૂપિયાનો ઘટાડો થયો છે.

ગઈ કાલે યોજાયેલી કૅબિનેટની બેઠક બાદ કેન્દ્રીય નાણાપ્રધાન અરુણ જેટલીએ જણાવ્યું હતું કે ડીઝલના ભાવને અંકુશમુક્ત કરવાનો ફેંસલો પ્રધાનમંડળે કર્યો છે. હવે ડીઝલની કિંમત આંતરરાષ્ટ્રીય બજારના ભાવને આધારે નક્કી થશે.

ડીઝલના ભાવમાં પાંચ વર્ષ બાદ આ ઘટાડો કરવામાં આવ્યો છે. અગાઉ ૨૦૦૯ની ૨૯ જાન્યુઆરીના રોજ ડીઝલના ભાવ લિટરે બે રૂપિયા ઘટાડીને ૩૦.૮૬ રૂપિયા કરવામાં આવ્યા હતા. ગત પહેલી સપ્ટેમ્બરે ડીઝલના ભાવમાં લિટરે ૫૦ પૈસાનો અને જાન્યુઆરી-૨૦૧૩ બાદ ૧૯ હપ્તામાં લિટરે કુલ ૧૧.૮૧ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.

ડીઝલના ભાવની અંકુશમુક્તિનો મતલબ એ છે કે ઑઇલ ઍન્ડ નૅચરલ ગૅસ કૉર્પોરેશન સહિતની સરકારી માલિકીની ઑઇલ એક્સ્પ્લોરેશન કંપનીઓ અને સરકાર હવે પછી ડીઝલ માટે સબસિડી નહીં આપે. ઑઇલના ભાવ ચાર વર્ષના તળિયે છે અને બે મહત્વનાં રાજ્યોમાં ચૂંટણી પતી ગઈ છે ત્યારે આ ફેંસલો યોગ્ય સમયે લેવામાં આવ્યો છે.

નૅચરલ ગૅસના ભાવમાં પ્રતિ મિલ્યન મેટ્રિક બ્રિટિશ થર્મલ યુનિટ ૫.૬૧ ડૉલરનો વધારો પહેલી નવેમ્બરથી કરવાનો ફેંસલો પણ કૅબિનેટે ગઈ કાલે કર્યો હતો. જોકે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ એના કૃષ્ણા-ગોદાવરી ધીરુભાઈ-૬ બ્લૉકમાંથી ઓછા ઉત્પાદનનું સાટું નહીં વાળે ત્યાં સુધી એને ૪.૨ ડૉલર લેખે જ ચુકવણી કરવામાં આવશે. તફાવતનાં નાણાં એસ્ક્રો અકાઉન્ટમાં જમા કરવામાં આવશે.

જેટલીએ જણાવ્યું હતું કે અગાઉની યુનાઇટેડ પ્રોગ્રેસિવ અલાયન્સ સરકારની મંજૂરી પામેલી રંગરાજન ફૉમ્યુર્લામાં વર્તમાન કૅબિનેટે સુધારો કર્યો છે. એ મુજબ ભાવ વધારીને ૮.૨ ડૉલરને બદલે ૫.૬૧ ડૉલર કરવામાં આવ્યા છે.

આ ફૉમ્યુર્લા પહેલી નવેમ્બરથી અમલી બનશે અને ગૅસના ભાવની દર છ મહિને સમીક્ષા કરવામાં આવશે. આવી આગામી સમીક્ષા પહેલી એપ્રિલના રોજ કરવામાં આવશે.

પોતે જાણી જોઈને ઉત્પાદનમાં ઘટાડો નથી કર્યો અને ઉત્પાદનમાં ભૌગોલિક કારણોસર ઘટાડો થયો છે એવું રિલાયન્સ કાયદેસર પુરવાર કરી શકશે તો જ એને ઊંચા ભાવે ચુકવણી કરવામાં આવશે.