રેલવેનાં ભાડાં વધશે, ડીઝલ-ગૅસના ભાવ પણ વધશે

30 October, 2012 03:12 AM IST  | 

રેલવેનાં ભાડાં વધશે, ડીઝલ-ગૅસના ભાવ પણ વધશે

ગઈ કાલે નવા રેલવેપ્રધાન પવનકુમાર બંસલે ટ્રેનોનાં ભાડાં વધારવાનો સંકેત આપ્યો હતો તો નવા પેટ્રોલિયમપ્રધાન વીરપ્પા મોઇલીએ પણ ડીઝલ અને રસોઈ ગૅસ પર સબસિડીનું ભારણ ઘટાડીને તેના ભાવ વધશે એવો સંકેત આપ્યો હતો.

અસહ્ય છે સબસિડીનો બોજો

ગઈ કાલે વીરપ્પા મોઇલીએ કહ્યું હતું કે હાલની સબસિડી નીતિ પર પુન:વિચાર કરવાની જરૂરિયાત છે, સબસિડીનો લાભ જરૂરિયાતમંદ લોકોને મળે એ પણ જરૂરી છે. મોઇલીએ કહ્યું હતું કે ડીઝલ, કેરોસીન અને રસોઈ ગૅસના બજાર કિંમત કરતાં ઓછા ભાવે વેચાણને કારણે દરરોજ ૪૩૩ કરોડ રૂપિયાનો બોજો પડે છે. આ વર્ષે નુકસાનની રકમ એક લાખ ૬૩ હજાર કરોડ થઈ જવાની શક્યતા છે. જો સરકાર ડીઝલ અને રસોઈ ગૅસ પર સબસિડીમાં ઘટાડો કરશે તો તેના ભાવમાં વધારો થશે.  

ટ્રેનસવારી પણ મોંઘી થશે

આ તરફ નવા રેલવેપ્રધાન પવનકુમાર બંસલે પણ ગઈ કાલે પદ સંભાળતાની સાથે જ રેલવેનાં ભાડાં મોંઘાં થવાનો સંકેત આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે રેલવેના વિશાળ તંત્રને ચાલુ રાખવા માટે ભાડાં વધારવાં જરૂરી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે ભાડાંની સાથે સુવિધાઓમાં પણ વધારો થવો જોઈએ, જેથી પૅસેન્જરને લાગે કે ભાડાંમાં વધારો કારણ વગર નથી કરવામાં આવ્યો. રાજ્ય કક્ષાના રેલવેપ્રધાન અધીર રંજન ચૌધરીએ પણ ભાડાંમાં વધારો કરવાના બંસલના પ્રસ્તાવને ટેકો આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે ચારે તરફ મોંઘવારી વધી છે ત્યારે રેલવેને થઈ રહેલા નુકસાનની ભરપાઈ કરવા માટે ભાડાંમાં વધારો કરવો જરૂરી છે.