કેન્દ્રિય શિક્ષણમંત્રી જાવડેકરે બાફી માર્યું

24 August, 2016 03:41 AM IST  | 

કેન્દ્રિય શિક્ષણમંત્રી જાવડેકરે બાફી માર્યું



ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના નેતાઓ સાથે બ્રિટિશરોએ કઈ રીતે કામ પાર પાડ્યું હતું એ વિશે ભાંગરો વાટીને કેન્દ્રના શિક્ષણ વિકાસ પ્રધાન પ્રકાશ જાવડેકરે વિવાદ સરજ્યો છે અને એ વિવાદને પગલે તેમણે ગઈ કાલે સ્પષ્ટતા કરવી પડી હતી.

મધ્ય પ્રદેશના છીંદવાડામાં પ્રકાશ જાવડેકરે કરેલી કમેન્ટનો વિડિયો વાઇરલ થયો હતો. એ વિડિયોમાં પ્રકાશ જાવડેકર એવું કહેતા સંભળાય છે કે ‘સુભાષચંદ્ર બોઝ, સરદાર પટેલ, પંડિત નેહરુ, ભગત સિંહ, રાજગુરુ સભી ફાંસી પે ચઢે.’

પ્રકાશ જાવડેકરની આ કમેન્ટને કારણે એવી છાપ પડી હતી કે ભગત સિંહ અને રાજગુરુની માફક પંડિત જવાહરલાલ નેહરુ અને સરદાર વલ્લભભાઈ પટેલને પણ બ્રિટિશ સરકારે ફાંસીએ ચડાવ્યા હતા.

આ વિશે સ્પષ્ટતા કરતાં પ્રકાશ જાવડેકરે શ્રેણીબદ્ધ ટ્વીટ્સમાં જણાવ્યું હતું કે ‘મને આ સમાચારથી આશ્ચર્ય થયું છે. ૧૮૫૭થી સ્વાતંત્ર્ય ચળવળમાં ભાગ લઈ ચૂકેલા તમામ સેનાનીઓને મેં શ્રદ્ધાંજલિ આપી હતી. મેં મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ તથા સુભાષચંદ્ર બોઝ જેવા નેતાઓનો ઉલ્લેખ કર્યો હતો અને પછી અટક્યો હતો. કોને ફાંસી આપવામાં આવી, કોને કારાવાસ થયો અને કોણ બ્રિટિશરોના અત્યાચારનો ભોગ બન્યું એની વાત મેં બીજા વાક્યમાં કરી હતી. મારી વાત જેમણે સાંભળી હતી તેમના મનમાં કોઈ ગૂંચવાડો નહોતો. મને આશા છે કે હવે ગૂંચવાડો દૂર થશે.’