બ્લૅક મની પરદેશ મોકલવા માટે રફ ડાયમન્ડનો ઉપયોગ

29 October, 2014 05:45 AM IST  | 

બ્લૅક મની પરદેશ મોકલવા માટે રફ ડાયમન્ડનો ઉપયોગ




પરદેશમાં કાળું નાણું મોકલવા માટે હવે ડાયમન્ડ બિઝનેસનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાની ચોંકાવનારી ચેતવણી દેશની ગુપ્તચર એજન્સીઓએ આપી છે.

ઇન્ટેલિજન્સ એજન્સીઓના જણાવ્યા અનુસાર ઇમ્પોર્ટની રકમ વધારીને અથવા તો એકને બદલે અનેક સોદા દેખાડીને બૅન્કિંગ ચૅનલ મારફતે નાણું દેશ બહાર મોકલવામાં આવી રહ્યું છે. સૂચક વાત એ પણ છે કે કેન્દ્ર સરકારે કાળાં નાણાંના મામલે સુપ્રીમ કોર્ટે સોમવારે જે ત્રણ વ્યક્તિનાં નામો આપ્યાં હતાં એ પૈકીની એક રાજકોટની બુલિયન ડીલર છે.

ડાયમન્ડના કેટલાક ચોક્કસ નિકાસકારો વિદેશના કોઈ એક્સપોર્ટર સાથે મળીને આવાં કાળાં કામ કરતા હોય છે. સોદાની અસલ મામૂલી રકમના પૈસા કોઈ વિદેશી બૅન્કમાં એક્સપોર્ટર જમા કરાવી દેતા હોય છે. રફ હીરાની કિંમત નક્કી કરવાનું સરળ નથી હોતું. તેથી ડાયમન્ડ ટ્રેડના બહાને વિદેશમાં નાણાં મોકલવા માટે રફ હીરાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

૨૦૧૩-૧૪ના વર્ષમાં દેશમાં બધા પ્રકારની આયાતમાં ઘટાડો થયો હતો, પણ રફ હીરાની આયાત આગલા વર્ષના ૨૧.૬ અબજ ડૉલરથી વધીને ૨૨.૧ અબજ ડૉલરની થઈ ગઈ હતી.

ટ્રેડ ફ્રૉડની તપાસ કરતી સરકારી એજન્સીના એક અધિકારીના જણાવ્યા અનુસાર માત્ર દેશ બહાર નાણાં મોકલવા માટે જ ડીલ કરવામાં આવી હોય એવા કેટલાક કિસ્સા પણ અમારા ધ્યાનમાં આવ્યા છે. ડિરેક્ટરેટ ઑફ રેવન્યુ ઇન્ટેલિજન્સ અને કસ્ટમ્સ સત્તાવાળાઓએ રિઝર્વ બૅન્કને આ બાબતે સતર્ક કરી દીધી છે. ડાયમન્ડની આવી જ એક ડીલમાં અનેક બિલ દેખાડીને બૅન્કિંગ ચૅનલ મારફતે વિદેશમાં નાણાં મોકલવામાં આવ્યાં હોવાનું મુંબઈના કસ્ટમ્સ વિભાગે તાજેતરમાં પકડેલા એક કેસની તપાસમાં જાણવા મળ્યું હતું.

અધિકારીઓના જણાવ્યા અનુસાર આજકાલ ફિઝિકલ કરન્સી વિદેશ મોકલવાનું બહુ આસાન બની ગયું છે. ગેરકાયદે ચૅનલ્સ આ રીતે નાણાં મોકલવા માટે પાંચ ટકા કમિશન લેતી હોય છે. કાળું નાણું વિદેશ મોકલવા માટે ડાયમન્ડ ટ્રેડના ઉપયોગનું પ્રમાણ વધવાનું કારણ આ છે.