કિંગફિશર ઍરલાઇન્સનું લાઇસન્સ સસ્પેન્ડ

21 October, 2012 03:24 AM IST  | 

કિંગફિશર ઍરલાઇન્સનું લાઇસન્સ સસ્પેન્ડ




કિંગફિશર ઍરલાઇન્સનું ફ્લાઇંગ લાઇસન્સ સસ્પેન્ડ કરવાનો નિર્ણય ડિરેક્ટરેટ જનરલ ઑફ સિવિલ એવિયેશન (ડીજીસીએ) દ્વારા ગઈ કાલે લેવામાં આવ્યો હતો. આગામી આદેશ ન મળે ત્યાં સુધી એ કોઈ ઉડાણ ભરી શકશે નહીં એવી સ્પષ્ટતા પણ ડીજીસીએએ કરી છે.

 થોડા દિવસ પહેલાં એટલે કે પાંચમી ઑક્ટોબરે ડીજીસીએએ કિંગફિશર ઍરલાઇન્સને કારણદર્શક નોટિસ મોકલી હતી, જેનો ૧૫ દિવસની અંદર જવાબ આપવાનો હતો; પણ આ નોટિસનો જવાબ આપવામાં કિંગફિશર ઍરલાઇન્સ નિષ્ફળ ગઈ હતી. ૧૫ દિવસની અંદર કંપની પોતાને ઉગારી લેતો કોઈ સંતોષજનક પ્લાન રજૂ કરી શકી નહોતી, જેને કારણે એનું લાઇસન્સ તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યું હોવાનું ડીજીસીએના ડિરેક્ટર જનરલ અરુણ મિશ્રાએ કહ્યું હતું.

છેલ્લા દસ મહિનામાં કિંગફિશરની અનેક ફ્લાઇટ રદ થઈ હતી એટલે પબ્લિકને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. એને પગલે પાંચમી ઑક્ટોબરે ડીજીસીએએ ઉદ્યોગપતિ વિજય માલ્યાની માલિકીની કિંગફિશર ઍરલાઇન્સને શો-કૉઝ નોટિસ આપરી હતી. આ નોટિસમાં સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું હતું કે ઍરલાઇન્સના નિયમ મુજબ સલામત, ભરોસાલાયક સર્વિસ પૂરી પાડવામાં કિંગફિશર ઍલાઇન્સ નિષ્ફળ ગઈ છે એટલે શા માટે એને નોટિસ ન આપવી જોઈએ અને એની વિરુદ્ધ પગલાં લેવાં ન જોઈએ? કિંગફિશરનું લાઇસન્સ સસ્પેન્ડ કર્યું હોવાનું જાહેર કરતાં સિવિલ એવિયેશન મિનિસ્ટર અજિત સિંહે ગઈ કાલે કહ્યું હતું કે ‘સલામતીને ધ્યાનમાં રાખીને એનું લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. એન્જિનિયરો હડતાળ પર ઊતરી ગયા હોવાને લીધે એનાં વિમાનોનું ઘણા મહિના મેઇન્ટેનન્સ થયું નથી. વિમાનોની જાળવણી બરાબર થઈ ન હોવાને લીધે પ્રવાસીઓનો જીવ જોખમમાં મૂકી ન શકાય.’

૨૦૦૩ની ૨૬ ઑગસ્ટે ઉડાણ માટે લાઇસન્સ મેળવનારી કિંગફિશર છેલ્લા થોડા મહિનાથી ભારે તકલીફોને સામનો કરી રહી છે. કર્મચારીઓના પગાર, પાઇલટોની હડતાળ જેવી અનેક સમસ્યાઓમાં ઍરલાઇન્સ અટવાઈ ગઈ હતી. પગાર ન મળવાને લીધે અનેક વાર હડતાળ પર ઊતરી જનારા કર્મચારીઓ ૩૦ સપ્ટેમ્બરે ફરી હડતાળ પર ઊતરી જતાં કંપનીએ પહેલી ઑક્ટોબરે લૉકઆઉટ જાહેર કર્યું હતું, જે ૨૩ ઑક્ટોબર સુધી લંબાવ્યું હતું. એ દરમ્યાન પાંચમી ઑક્ટોબરે ડીજીસીએએ શો-કૉઝ નોટિસ આપી હતી અને હવે ગઈ કાલે એનું ફ્લાઇંગ લાઇસન્સ પણ રદ કરી નાખવામાં આવ્યું હોવાથી એની તકલીફોમાં વધુ ઉમેરો થયો છે. ડીજીસીએએ આ મહિનાની શરૂઆતમાં જ કિંગફિશર ઍરલાઇન્સનું ફ્લાઇંગ લાઇસન્સ રદ કરવાની શક્યતા વ્યક્ત કરી હતી.

એક સમયે ૩૦૦થી વધુ ઉડાણો ભરનારી કિંગફિશરે શરૂ થઈ ત્યારથી ફક્ત નુકસાન જ કર્યું છે. ૨૦૦૮-’૦૯માં ૧૬૦૯ કરોડ રૂપિયા, ૨૦૦૯-’૧૦માં ૧૬૪૭ કરોડ રૂપિયા,  ૨૦૧૦-’૧૧માં ૧૦૨૭ કરોડ રૂપિયા તો ૨૦૧૧-’૧૨માં ૭૩૨ કરોડ રૂપિયાનું કંપનીએ આર્થિક નુકસાન કર્યું હતું. એટલું જ નહીં, ગઈ કાલે ડીજીસીએએ એનું ઉડ્ડયનનું લાઇસન્સ પણ સસ્પેન્ડ કર્યું હોવા છતાં ગઈ કાલે કંપનીએ નવા સર્વાઇવલ પ્લાન સાથે ડીજીસીએની મંજૂરી મેળવી બહુ જલદી પાછા ફરશે એવું સ્ટેટમેન્ટ બહાર પાડ્યું હતું.

કિંગફિશરની ઍરલાઇન્સનો આજ સુધીનો પ્રવાસ

બિઝનેસ ટાયકૂન વિજય માલ્યાએ કિંગફિશરની સ્થાપના ૨૦૦૩ની ૨૬ ઑગસ્ટે કરી હતી. ત્યારથી આજ સુધી કંપનીએ હંમેશાં નુકસાન જ કર્યું છે. કંપનીને આજ સુધીમાં ૮૦૦૦ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. કંપનીના માથે ૭૦૦૦ કરોડ રૂપિયાનું દેવું હોવા છતાં સ્ટાફ હંમેશાં પોતાની કંપનીને વફાદાર રહ્યો હતો એટલે એક દિવસ તાળાં લગાવવાનો દિવસ આવશે એવું કોઈએ વિચાર્યું પણ નહોતું. 

કિંગફિશરની પડતીની શરૂઆત આ વર્ષના આંરભ સાથે થઈ હતી. ઍરલાઇન્સ સમયસર પોતાના કર્મચારીઓને પગાર ચૂકવી શકી નહોતી. લાંબા સમય સુધી પગાર ન મળવાને લીધે કર્મચારીઓ ઉશ્કેરાઈને હડતાળ પર ઊતરી ગયા હતા. આગળ જતાં ઇન્ટરનૅશનલ એજન્સીઓનો સાથ પણ ન મળતાં કિંગફિશરે પોતાનાં ઇન્ટરનૅશનલ ઑપરેશન બંધ કરવાનો નિર્ણય લેવો પડ્યો હતો  એટલું જ નહીં, નુકસાનીને લીધે કંપનીની અનેક રીજનલ ઑફિસો બંધ કરવાની નોબત આવી હતી. કંપનીને સૌથી મોટો ઝટકો ત્યારે લાગ્યો જ્યારે સમયસર પેમેન્ટ ન કરી શકવાને લીધે એને લીઝ પર વિમાનો આપનારી કંપનીઓએ પોતાનાં ઍરક્રાફટ પાછાં લઈ લેવાનો નિર્ણય લીધો. એક સમયે કંપની દિવસનાં ૩૦૦ ઉડાણો ભરતી હતી, પણ સમય જતાં એ ૬૦ પર આવી ગયાં હતાં જેમાં થોડા વધારો થતાં ૭૫ થઈ ગયાં હતાં. ઍરલાઇન્સે પોતાની કંપની ચાલુ રહે એ માટે બૅન્કો સાથે અનેક વાર વાટાઘાટ કરીને તમામ પ્રયત્નો કર્યા, પણ એમાં સફળતા મળી નહોતી એટલું જ નહીં; ઍરલાઇન્સમાં ફૉરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ હેઠળ વિદેશી ઍરલાઇન્સ કંપનીઓ ઇન્વેસ્ટ કરશે એવી કિંગફિશરની આશા પણ ઠગારી નીકળી હતી. ઍરલાઇન્સ ક્ષેત્રે એક સમયે કિંગફિશર કંપનીનો માર્કેટશૅર ૨૦ ટકા હતો જે પંદર ટકા જેટલો ઘટી ગયો હતો અને હાલમાં માત્ર ત્રણ ટકા રહ્યો હતો.

કિંગફિશરને છેલ્લો ફટકો ૩૦ સપ્ટેમ્બરે પડ્યો હતો જ્યારે છેલ્લા આઠ મહિનાથી બાકી રહેલા પગારને લીધે એન્જિનિયરો, ટેક્નિશિયનો અને પાઇલટો સહિત ક્રૂ-મેમ્બર હડતાળ પર ઊતરી ગયા હતા. પહેલી ઑક્ટોબરથી તો ઍરલાઇન્સની એક પણ ફ્લાઇટ ઊડી જ નહોતી. કથળી રહેલી પરિસ્થિતિને જોતાં ડીજીસીએ કિંગફિશરને ૫ ઑક્ટોબરે શો-કૉઝ નોટિસ મોકલી હતી અને પંદર દિવસની અંદર સર્વાઇવલ પ્લાન રજૂ કરવા કહ્યું હતું, પણ એમાં કિંગફિશર નિષ્ફળ જતાં છેવટે ગઈ કાલે એનું લાઇસન્સ સસ્પેન્ડ થયું હતું.

ઍરપોર્ટ પર કિંગફિશરની હાલત

ડોમેસ્ટિક ઍરપોર્ટ પર કિંગફિશરના કાઉન્ટર પર ડિપાર્ટચર એન્ટ્રન્સ બંધ કરી દેવામાં આવ્યું છે. ગઈ કાલે કાઉન્ટર પર બે સ્ટાફ-મેમ્બર ઇન્ક્વાયરી કરવા આવી રહેલા પ્રવાસીઓને જવાબ આપવામાં વ્યસ્ત જોવા મળ્યાં હતા. કિંગફિશરની તમામ ફલાઇટ કૅન્સલ કરી દેવામાં આવી છે અને તમામ પૅસેન્જરોને મોબાઇલ પર મેસેજ મોકલીને જાણ કરવામાં આવી રહી છે. કાઉન્ટર પર આવી રહેલા પ્રવાસીઓને તેમની કૅન્સલ થયેલી ટિકિટના પૈસા રીફન્ડ કરવામાં આવી રહ્યા હતા.