02 January, 2026 07:15 AM IST | Mathura | Gujarati Mid-day Correspondent
દેવકીનંદ ઠાકુર
મથુરાના વિખ્યાત કથાવાચક દેવકીનંદન ઠાકુરે કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) અને ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડની આકરી ટીકા કરીને બંગલાદેશી ખેલાડીઓનો બહિષ્કાર કરવાની હાકલ કરી છે. તાજેતરમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના મિની-ઑક્શનમાં KKR દ્વારા બંગલાદેશના ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો એ પછી આ વિવાદ ઊભો થયો છે.
એક સભાને સંબોધતાં દેવકીનંદન ઠાકુરે કહ્યું હતું કે જ્યાં સુધી બંગલાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર બંધ ન થાય ત્યાં સુધી ત્યાંના ખેલાડીઓને ભારતમાં રમવાનો અને દેશમાંથી આવક મેળવવાનો અધિકાર ન આપવો જોઈએ.
દેવકીનંદ ઠાકુરે KKRના માલિક શાહરુખ ખાન અને ટીમ-મૅનેજમેન્ટને મુસ્તફિઝુર રહેમાનને ટીમમાંથી દૂર કરવાની અપીલ કરી હતી, નહીં તો સનાતની સમુદાય દ્વારા KKR અને એની મૅચોનો બહિષ્કાર કરવાની ધમકી આપી હતી.
દેવકીનંદન ઠાકુરે સભામાં શાહરુખ ખાન તરફ ઇશારો કરીને કહ્યું હતું કે ‘એક ખેલાડી બંગલાદેશથી ખરીદવામાં આવ્યો છે અને તેનો માલિક મુંબઈમાં રહે છે. તેને વળી પાકિસ્તાનથી પણ હમદર્દી છે. કાન ખોલીને સાંભળી લે મિસ્ટર ખાન, એ ભૂલતો નહીં કે આ હિન્દુસ્તાને જ તને હીરો બનાવ્યો છે. જો બંગલાદેશમાં સળગાવી દેવામાં આવેલા હિન્દુ યુવાનને જોઈને દુઃખ થયું હોય તો તે બંગલાદેશીને બહાર કાઢો. જો મુસ્તફિઝુર રહેમાનને ટીમની બહાર કાઢવામાં નહીં આવે તો સનાતની સમાજ એકસાથે થઈ જઈને KKRની ટીમ અને એની તમામ મૅચોનો પૂર્ણ બહિષ્કાર કરશે.’
દેવકીનંદન ઠાકુરે એવી પણ માગણી કરી હતી કે જેમ ક્રિકેટ બોર્ડે પાકિસ્તાની ખેલાડીઓ પર પ્રતિબંધ મૂક્યો છે એવી જ રીતે બંગલાદેશી ક્રિકેટરો પર પણ પ્રતિબંધ મૂકવાનો વિચાર કરવો જોઈએ.
શાહરુખ ખાન ગદ્દાર છે, આવા લોકોને ભારતમાં રહેવાનો હક નથી : મેરઠના BJPના નેતા સંગીત સોમ
મેરઠમાં આયોજિત અટલ સ્મૃતિ સંમેલન અને સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) વર્કશૉપ દરમ્યાન BJPના ફાયરબ્રૅન્ડ નેતા સંગીત સોમે તીખી ટિપ્પણીઓ કરી હતી. તેમણે બંગલાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર અને દેશની અંદર રાષ્ટ્રવિરોધી ગતિવિધિઓને મુદ્દો બનાવીને બૉલીવુડ ઍક્ટર શાહરુખ ખાન પર આરોપો લગાવ્યા હતા. તેમણે કહ્યું હતું, ‘શાહરુખ ખાને IPLમાં બંગલાદેશના ક્રિકેટર મુસ્તફિઝુર રહમાનને સાડાનવ કરોડ રૂપિયામાં ખરીદ્યો. આ દેશવિરોધી ગતિવિધિ જ ગણાય. આવા લોકો દેશમાં રહેવાને લાયક નથી. બૉલીવુડ અને ક્રિકેટના માધ્યમથી રાષ્ટ્રવિરોધી તાકાતોને પ્રોત્સાહન મળતું રહે છે.’
જગદગુરુ રામભદ્રાચાર્ય પણ શાહરુખ ખાન પર ભડક્યા: એ કોઈ હીરો નથી, તેનો રવૈયો હંમેશાં દેશદ્રોહી રહ્યો છે
બંગલાદેશના મુસ્તફિઝુર રહમાનને IPLમાં પોતાની ટીમ માટે ખરીદવા બદલ જગદગુરુ રામભદ્રાચાર્યએ પણ શાહરુખ ખાન પર નિશાન સાધ્યું છે. મીડિયા-એજન્સી ANI સાથે વાતચીત દરમ્યાન તેમણે કહ્યું હતું, ‘શાહરુખ ખાન કોઈ હીરો નથી, તેમનું કોઈ ચારિત્ર્ય નથી. તેમનો રવૈયો હંમેશાં દેશદ્રોહી જ રહ્યો છે. આ ખૂબ દુર્ભાગ્યપૂર્ણ છે.’