ભવ્ય શપથવિધિ બાદ મહારાષ્ટ્રના CM બન્યા ફડણવીસ

01 November, 2014 04:19 AM IST  | 

ભવ્ય શપથવિધિ બાદ મહારાષ્ટ્રના CM બન્યા ફડણવીસ


રવિકિરણ દેશમુખ

BJPએ પહેલી જ વખત અને કોઈ પણ પાર્ટી સાથે જોડાણ, ગઠબંધન કે યુતિ કર્યા વિના સ્થાપેલી મહારાષ્ટ્રની રાજ્ય સરકારના મુખ્ય પ્રધાનપદે ૪૪ વર્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસને ગવર્નર સી. વિદ્યાસાગર રાવે હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા એ વખતે સામાન્ય રીતે ક્રિકેટપ્રેમીઓના હર્ષોલ્લાસના શોરબકોરથી ગુંજતું રહેતું વાનખેડે સ્ટેડિયમ રાજકીય સૂત્રોચ્ચારથી ગાજી ઊઠ્યુ હતું. ફડણવીસ ઉપરાંત કૅબિનેટ કક્ષાના સાત અને રાજ્યકક્ષાના બે પ્રધાનોને શપથ લેવડાવવામાં આવ્યા ત્યારે આખા સ્ટેડિયમમાં ઉત્સાહનું અનોખું વાતાવરણ પ્રસરી ગયું હતું. સ્ટેડિયમમાં હાજર હજારો લોકોએ તેમના ફેવરિટ નરેન્દ્ર મોદીને સૌથી વધુ અને પછી ઉદ્ધવ ઠાકરે તથા પંકજા મુંડેને હર્ષના ઉદ્ગારોથી વધાવી લીધાં હતાં.

બન્ને પક્ષો વચ્ચે જોડાણ માટેની મંત્રણાઓ દરમ્યાન અપમાનજનક વર્તન જણાતાં શિવસેનાના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરે પોતે આ સમારંભમાં હાજર રહેવાના નહોતા અને પાર્ટીના વિધાનસભ્યોને પણ તેમણે હાજર ન રહેવાની સૂચના આપી હતી, પરંતુ BJPના પ્રેસિડન્ટ અમિત શાહે છેલ્લી મિનિટે ફોન કરતાં ઉદ્ધવ હાજર રહ્યા હતા. સૌની નજરો મોદી અને ઉદ્ધવ પર અટકી હતી. બન્નેએ સમારંભમાં ખૂબ જ ઉષ્માપૂર્વક શેકહૅન્ડ કરીને પ્રેમપૂર્વક વાતો કરી હતી.

ગઈ કાલે શપથ લેનારા કૅબિનેટ કક્ષાના પ્રધાનોમાં એકનાથ ખડસે, સુધીર મુનગંટીવાર, વિનોદ તાવડે, પંકજા મુંડે (સ્ટેટ કોર કમિટીના સભ્યો), પ્રકાશ મહેતા, ચંદ્રકાન્ત પાટીલ અને વિષ્ણુ સાવરાનો સમાવેશ છે. રાજ્યકક્ષાના પ્રધાનો તરીકે દિલીપ કાંબળે અને વિદ્યા ઠાકુરે હોદ્દા અને ગુપ્તતાના સોગંદ લીધા હતા.BJPના ધુરંધર નેતાઓ લાલ કૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, કેન્દ્રીય પ્રધાનો નીતિન ગડકરી, એમ. વેન્કૈયા નાયડુ, રવિશંકર પ્રસાદ, પ્રકાશ જાવડેકર, રાધામોહન સિંહ, વિવિધ રાજ્યોના મુખ્ય પ્રધાનો રમણ સિંહ (છત્તીસગઢ), મનોહર પર્રિકર (ગોવા), આનંદીબહેન પટેલ (ગુજરાત), વસુંધરા રાજે (રાજસ્થાન) વગેરે હાજર હતાં.


BJPના સાથીપક્ષોના નેતાઓમાં પંજાબના મુખ્ય પ્રધાન પ્રકાશ સિંહ બાદલ (અકાલી દળ) અને આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન એન. ચંદ્રાબાબુ નાયડુએ સમારંભમાં હાજરી આપી હતી.BJPની સરકારને બહારથી ટેકો આપવાની ઑફર કરનારી પાર્ટી NCP તરફથી પ્રફુલ પટેલ, અજિત પવાર, છગન ભુજબળ અને પાર્ટીના રાજ્ય એકમના પ્રમુખ સુનીલ તટકરે હાજર હતા. કૉન્ગ્રેસ તરફથી ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવાણ, વિદાય લેતી વિધાનસભાના સ્પીકર દિલીપ વાળસે પાટીલ અને વિધાન પરિષદના ચૅરમૅન શિવાજીરાવ દેશમુખ હાજર હતા.

મરાઠા મૉનોપોલી તોડતા બીજા બ્રાહ્મણ મુખ્ય પ્રધાન

સામાન્ય રીતે મરાઠા સમાજનું પ્રભુત્વ ધરાવતા મહારાષ્ટ્રના રાજકારણમાં ફડણવીસ શિવસેનાના મનોહર જોશી પછી બીજા બ્રાહ્મણ મુખ્ય પ્રધાન છે. તેઓ રાજ્યના ૨૭મા મુખ્ય પ્રધાન અને આ હોદ્દા પર બિરાજનાર ૧૮મી વ્યક્તિ છે.