દેવેન્દ્ર ફડણવીસે કર્યો રાજ ઠાકરે પર પલટવાર

11 July, 2026 08:24 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

MNSના ચીફને ગણાવ્યા મિમિક્રી આર્ટિસ્ટ, કહ્યું કે તેમણે એ કારકિર્દી અપનાવી હોત તો આજે બીજા બધા મિમિક્રી આર્ટિસ્ટ ભૂખે મરતા હોત

ગઈ કાલે વિધાનસભામાં આક્રમક અંદાજમાં દેવેન્દ્ર ફડણવીસ

વિધાનસભાના મૉન્સૂન સેશનના છેલ્લા દિવસે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જોરદાર ફટકાબાજી કરી હતી અને રાજ ઠાકરેને બરાબરના આડે હાથે લીધા હતા એટલું જ નહીં, ઘણી વાર તો રેશમનો રૂમાલ વીંટીને શાબ્દિક દંડો ફટકારવાનું પણ ચૂક્યા નહોતા.  

હાલમાં એક ભાષણ દરમ્યાન દેવેન્દ્ર ફડણવીસ એકાદ વાક્ય હિન્દીમાં બોલ્યા હતા તો એ બાબતે રાજ ઠાકરેએ કમેન્ટ કરી હતી કે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન થઈને હિન્દીમાં કેમ બોલ્યા? એ બાબતે ફડણવીસે કહ્યું હતું કે ‘હું એક વાક્ય હિન્દીમાં બોલ્યો અને અમારા મિમિક્રી આર્ટિસ્ટ કહેવા માંડ્યા કે હિન્દીમાં કેમ બોલ્યા? આખું ભાષણ તો મેં મરાઠીમાં જ કર્યું હતું. વાંધો નહીં, તે અમારા મિત્ર જ છે. તે રાજકારણમાં છે, પણ એનાથી તો અમને કોઈ જોખમ નથી. જો તે મિમિક્રીના ક્ષેત્રમાં ગયા હોત તો એક પણ સ્ટૅન્ડ-અપ કૉમેડિયનનું અહીં માર્કેટ રહ્યું ન હોત. મેં એ ભાષણમાં કહ્યું હતું ‘ભાડે કે ટટ્ટુ’. તેઓ કહે છે કે મારે સુસંસ્કૃત શબ્દો વાપરવા જોઈએ. મેં એ બાબતે સ્ટડી કર્યો અને હવે મારું એ ‘ભાડે કે ટટ્ટુ’ વાક્ય પાછું લઉં છું અને એને સુસંસ્કૃત રીતે ‘ભાટક ગર્દભ’ કહું છું. જો કોઈને એ ન સમજાય તો સુપારીબાજ. હું તો કેટલાક સુપારીબાજ બદલ બોલ્યો હતો. મેં તો હૅટ ફેંકી હતી. એ અનેક લોકોએ કેમ પહેરી એ જ ન સમજાયું. અનેક લોકોને એ ચાટી ગઈ.’

devendra fadnavis raj thackeray vidhan bhavan maharashtra news maharashtra mumbai mumbai news political news indian politics