અંગૂરનો બેમિસાલ બહાદુર જતો રહ્યો

03 December, 2014 06:11 AM IST  | 

અંગૂરનો બેમિસાલ બહાદુર જતો રહ્યો




‘અંગૂર’માં સંજીવકુમાર સાથે.

હિન્દી ફિલ્મોના મશહૂર કૉમેડી ઍક્ટર દેવેન વર્માનું મંગળવારે મધરાત બાદ ગઈ કાલે વહેલી સવારે બે વાગ્યે પુણેમાં હાર્ટ-અટૅકથી નિધન થતાં બૉલીવુડ શોકગ્રસ્ત થયું છે. ૭૭ વર્ષના પીઢ ઍક્ટરે ૪૭ વર્ષની સુર્દીઘ ફિલ્મી સફરમાં દોઢસોથી વધુ ફિલ્મોમાં દર્શકોનું ભરપૂર મનોરંજન કર્યું હતું એટલું જ નહીં, તેઓ કેટલીક ફિલ્મોના પ્રોડ્યુસર અને ડિરેક્ટર પણ હતા.

બચપણ અને પરિવાર 

દેવેન વર્માના પરિવારમાં તેમની પત્ની અને વીતેલા જમાનાના મહાન ઍક્ટર અશોકકુમારની નાની પુત્રી રૂપા ગાંગુલી છે. ગઈ કાલે પુણેમાં પોતાના ઘરે દેવેન વર્માએ અંતિમ શ્વાસ લીધા હતા. મહારાષ્ટ્રની સંસ્કારનગરી પુણેમાં ૧૯૩૭ની ૨૩ ઑક્ટોબરે જન્મેલા દેવેન વર્માએ પૉલિટિકલ સાયન્સ અને સોશ્યલ સ્ટડીઝમાં ગ્રૅજ્યુએશન બાદ તેમણે ફિલ્મોમાં નસીબ અજમાવ્યું હતું અને પુણેમાં મોટા ભાગનું જીવન વ્યતીત કર્યું હતું. ગઈ કાલે બપોરે યેરવડા સ્મશાનભૂમિ ખાતે તેમના અંતિમ સંસ્કાર સંપન્ન થયા હતા.

દિગ્ગજ ફિલ્મકારોના માનીતા

હિન્દી ઉપરાંત મરાઠી અને ભોજપુરી તેમ જ એક ગુજરાતી ફિલ્મમાં પણ તેમણે અભિનય કર્યો હતો. બાસુ ચૅટરજી, હૃષીકેશ મુખરજી અને ગુલઝાર સહિતના બૉલીવુડના દિગ્ગજ ફિલ્મકારોમાં દેવેન વર્માએ યાદગાર ભૂમિકાઓથી પોતાનું વેગળું સ્થાન બનાવ્યું હતું અને બાદમાં તેમણે ફિલ્મ-નિર્માણ અને ડિરેક્શનમાં હાથ અજમાવી જોયો હતો.

૪૭ વર્ષની કરીઅર

૧૯૫૯માં યશ ચોપડાની ફિલ્મ ‘ધર્મપુત્ર’થી દેવેન વર્મા અને પીઢ ઍક્ટર શશી કપૂરે એકસાથે અભિનય-યાત્રાનો આરંભ કર્યો હતો અને ૧૯૬૧માં આ ફિલ્મ રિલીઝ થયા બાદ દેવેન વર્માએ ૨૦૦૩ની ફિલ્મ ‘કલકત્તા મેલ’ સુધીની યાદગાર અને સફળ અભિનય સફર ખેડી હતી. ‘ધર્મપુત્ર’ પછી ૧૯૬૩માં તેમની બીજી ફિલ્મ બી. આર. ચોપડાની ‘ગુમરાહ’ હતી, પરંતુ વધુ એક ફિલ્મ ‘ટિકટ’ની સફળતા પણ તેમને નામના નહોતી અપાવી શકી. જોકે ૧૯૬૬માં ફિલ્મ ‘દેવર’ અને હૃષીદાની ફિલ્મો ‘અનુપમા’ અને ‘બહારેં ફિર ભી આએંગી’થી દેવેન વર્માનું નામ ફિલ્મોમાં ગાજતું થયું હતું અને તેઓ પ્રતિભાશાળી ઍક્ટર તરીકે જાણીતા થયા હતા.

પ્રોડક્શન અને ડિરેક્શન

૧૯૬૯માં ધર્મેન્દ્ર અને શર્મિલા ટાગોરની સુપરહિટ ફિલ્મ ‘યકીન’થી દેવેન વર્માએ ફિલ્મ-પ્રોડક્શનની સફળ શરૂઆત કરી હતી અને ૧૯૭૧ની ફિલ્મ ‘નાદાન’થી તેમણે ફિલ્મ-ડિરેક્શનમાં પણ હાથ અજમાવ્યો હતો. જોકે નવીન નિશ્ચલ અને આશા પારેખની ઍક્ટિંગવાળી આ ફિલ્મ ફ્લૉપ નીવડી હતી.

૧૯૭૮ની સુપરસ્ટાર અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘બેશર્મ’ના ડિરેક્ટર દેવેન વર્મા હતા, પરંતુ નબળી સ્ક્રિપ્ટ અને ડિરેક્શનને કારણે આ ફિલ્મ પણ સરિયામ નિષ્ફળ રહી હતી. જોકે આ ફિલ્મમાં ત્રણ રોલ ભજવીને દેવેન વર્માએ દર્શકોના દિલમાં સ્થાન મેળવી લીધું હતું.

ત્યાર બાદ ૧૯૮૩માં સ્મિતા પાટીલ અને રાજ કિરણની ફિલ્મ ‘ચટપટી’ અને ૧૯૮૯માં મિથુન ચક્રવર્તીની ફિલ્મ ‘દાનાપાની’ના દેવેન વર્મા પ્રોડ્યુસર હતા, પરંતુ આ ફિલ્મો પણ કંઈ ઉકાળી શકી નહોતી. આ ફિલ્મોની નિષ્ફળતાથી દેવેન વર્માને મોટો આર્થિક ફટકો પડ્યો હતો અને તેમણે ફિલ્મ-નિર્માણનું કામ સંકેલી લીધું હતું.

ઉમદા કૉમેડી ઍક્ટર

ઉમદા કૉમેડી ઍક્ટર અને નિષ્ફળ પ્રોડ્યુસર અને ડિરેક્ટર દેવેન વર્માની યાદગાર કૉમેડી ફિલ્મોમાં ‘અંગૂર’, ‘ખટ્ટા મીઠા’, ‘પ્રોફેસર કી પડોસન’, ‘નાસ્તિક’ અને ‘ચોર કે ઘર ચોર’ છે. ઉપરાંત ૧૯૭૫ની ફિલ્મ ‘ચોરી મેરા કામ’, ૧૯૭૮માં ‘ચોર કે ઘર ચોર’ તેમ જ ૧૯૮૨માં ‘અંગૂર’ માટે તેમને બેસ્ટ કૉમેડિયનનો ફિલ્મફેર અવૉર્ડ મળ્યો હતો. ‘નાદાન’, ‘બડા કબૂતર’, ‘બેશર્મ’ અને ‘દાનાપાની’ જેવી ફિલ્મોમાં પણ તેમણે ઍક્ટિંગ કરી હતી.

હાલમાં બૉલીવુડ પર રાજ કરતી ખાનત્રિપુટી સલમાન, શાહરુખ અને આમિર તેમ જ અક્ષયકુમાર, સૈફ અલી ખાન અને અજય દેવગનની ૧૯૯૦ના દાયકાની સુપરહિટ ફિલ્મો ‘ચમત્કાર’, ‘દિલ તો પાગલ હૈ’, ‘ક્યા કહના’, ‘દિલ’, ‘ઇશ્ક’, ‘હલચલ’, ‘દીવાના’, ‘અંદાઝ અપના અપના’માં પણ દેવેન વર્માએ ઍક્ટિંગ કરી હતી.

‘અંગૂર’નો બેમિસાલ બહાદુર

દેવેન વર્મા અભિનીત ફિલ્મ ‘અંગૂર’ બૉલીવુડની બેસ્ટ કૉમેડી ફિલ્મોમાંની એક ગણાય છે. શેક્સપિયરની વાર્તા ‘કૉમેડી ઑફ એરર્સ’ પરથી પ્રેરિત આ ફિલ્મ ટ્વિન બ્રધર્સમાં કન્ફ્યુઝન જેવા વેગળા વિષય પર બની હતી અને આ ફિલ્મમાં દેવેન વર્મા ઉપરાંત એ સમયના સુપર ઍક્ટર સંજીવકુમારની પણ ડબલ રોલ અદાકારી સોળે કળાએ ખીલી હતી. આ ફિલ્મમાં દેવેન વર્માએ બહાદુરનું કૅરૅક્ટર પડદા પર ઉત્તમ રીતે ભજવ્યું હતું અને કૉમેડી માટે ફિલ્મફેર અવૉર્ડ મેળવ્યો હતો.

એકે હજારા જેવું ગીત ગાયું

આજે કોઈ પણ લગ્નપ્રસંગે ‘આજ મેરે યાર કી શાદી હૈ’ ગીત તો અચૂક સંભળાય જ, પરંતુ ૧૯૭૭ની ફિલ્મ ‘આદમી સડક કા’નું આ ગીત દેવેન વર્માએ ગાયું છે એ બહુ જૂજ લોકો જાણતા હશે. તેમણે કેટલીક ફિલ્મોમાં પ્લેબૅક સિંગિંગ પણ કર્યું હતું જેમાં આ ગીત શિરમોર છે.

અરુણા ઈરાની સાથે જમાવટ

દર્શકોએ પડદા પર દેવેન વર્મા અને અરુણા ઈરાનીની જોડીને ખૂબ પસંદ કરી હતી. ‘કુછ હૈ’, ‘બુઢ્ઢા મિલ ગયા’, ‘ઝિંદગી’, ‘અનપઢ’, ‘ઘર કી લાજ’, ‘આહિસ્તા આહિસ્તા’, ‘અંગૂર’, ‘ભોલાભાલા’, ‘નઝરાના પ્યાર કા’, ‘દો પ્રેમી’, ‘જ્યોતિ’, ‘લેડીઝ ટેલર’, ‘જુદાઈ’, ‘બેમિસાલ’, ‘ઉલ્ટા સીધા’, ‘ભાગો ભૂત આયા’, ‘પ્રેમ પ્રતિજ્ઞા’ સહિતની ફિલ્મોમાં દેવેન વર્મા અને અરુણા ઈરાનીની જોડીએ દર્શકોનું ભરપૂર મનોરંજન કર્યું હતું.

મોદી અને બૉલીવુડની અંજલિ

હિન્દી ફિલ્મોના પીઢ કૉમેડી ઍક્ટર દેવેન વર્માના નિધનથી શોકગ્રસ્ત બૉલીવુડના કલાકાર-કસબીઓ અને પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીએ પણ સદાય હસતા રહેલા આ ઉમદા ઍક્ટરને ટ્વિટરના માધ્યમથી શ્રદ્ધાંજલિ આપી હતી.

નરેન્દ્ર મોદી : દેવેન વર્મા એક પૉપ્યુલર અને દર્શકોના પ્રિય ઍક્ટર હતા. એક ઉમદા ઍક્ટર આપણે ગુમાવ્યો છે.

આમિર ખાન : દેવેનજીના મોતના સમાચારથી મને આઘાત લાગ્યો છે. તેમના પરિવારને હું દિલસોજી પાઠવું છું. તેઓ એક ઉમદા કો-સ્ટાર હતા. ફિલ્મ ‘અંદાઝ અપના અપના’ના સેટ પર તે સતત જોક્સ કહીને સૌને હસાવતા રહેતા એ મને હજીયે યાદ છે.

કરણ જોહર : તમારા સરળ અને સાદા, પરંતુ ખડખડાટ હસાવતા ચહેરાના હાવભાવ અને કૉમિક ટાઇમિંગનો વારસદાર હજી સુધી જોવા નથી મળ્યો.

રિતેશ દેશમુખ : દેવેન વર્મા ઉમદા ઍક્ટર અને કૉમિકના માસ્ટર હતા. બચપણમાં તમારી ફિલ્મોએ મને ભરપૂર મનોરંજન પૂરું પાડ્યું હતું એ બદલ આભાર. તમે હંમેશાં યાદ રહેશો.

અનુષ્કા શર્મા : ફિલ્મ ‘અંદાઝ અપના અપના’માં દેવેન વર્માએ કરેલો સીન આંખ સામે તરવરે છે, જેમાં તે કહે છે, ‘મૈં બેટિયોં કો ચૂડિયાં પહનાઉંગા... આપ માં કો...’ ...ઉમદા ઍક્ટર.