આત્મનિર્ભર ભારતથી વિકાસ ચોક્કસ પાછો ફરશે : પીએમ

03 June, 2020 09:44 AM IST  |  New Delhi | Agencies

આત્મનિર્ભર ભારતથી વિકાસ ચોક્કસ પાછો ફરશે : પીએમ

નરેન્દ્ર મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના મહત્વના ઉદ્યોગ સંગઠન સીઆઇઆઇની વાર્ષિક સામાન્ય સભાને કરેલા સંબોધનમાં કોરોનાને પગલે દેશના અર્થતંત્રની ગતિ ધીમી પડી હોવાનું જણાવીને આત્મવિશ્વાસ સાથે એવી પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી કે આજે દેશનું સૌથી મોટું સત્ય એ છે કે ભારતે લૉકડાઉન છોડી દીધું છે અને અનલૉક ફેઝ-૧માં પ્રવેશ કર્યો છે. અર્થતંત્રનો મોટો ભાગ આ તબક્કે ખૂલી ગયો છે. આઠ દિવસ પછી અર્થતંત્રનો બીજો મોટો ભાગ ખૂલશે ત્યારે દેશની અર્થવ્યવસ્થામાં ચોક્કસ ગતિ આવશે, વિકાસ પાછો આવશે. ભારત ફરીથી આર્થિક ક્ષેત્રે અગ્રેસર હશે, કેમ કે આપણે ભારતને આત્મનિર્ભર બનાવવાનો દૃઢ સંકલ્પ કર્યો છે એથી દરેક ક્ષેત્રના વિગતવાર અભ્યાસ સાથે આવો, આપણે સાથે મળીને એક આત્મનિર્ભર ભારત બનાવીશું. આ સંકલ્પને પૂરો કરવા જોર લગાડો, સરકાર તમારી સાથે છે. તમે સફળ થશો, જો આપણે સફળ થઈશું તો દેશ નવી ઊંચાઈએ પહોંચશે. સરકાર પર વિશ્વાસ રાખો, એમ પણ તેમણે ઉમેર્યું હતું. વડા પ્રધાન મોદીએ આ પ્રસંગે અર્થતંત્ર માટે ફાઇવ ‘આઇ’ ઇન્ટેન્ટ, ઇન્ક્લુઝન, ઇન્વેસ્ટમેન્ટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇનોવેશનનો મંત્ર પણ આપ્યો હતો.

કોરોના મહામારીને રોકવા લાદવામાં આવેલા લૉકડાઉન-૪ બાદ હવે અનલૉક-૧ શરૂ થયાના બીજા જ દિવસે એટલે કે ગઈ કાલે બે જૂનના રોજ વડા પ્રધાને જાહેર કાર્યક્રમને સંબોધન કર્યું હોય એવો આ પહેલો જ પ્રસંગ હતો. સીઆઇઆઇના ૧૨૫મા વર્ષે એની વાર્ષિક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ વર્ષે એના સેશનની થીમ ગેટિંગ ગ્રોથ બૅક રાખવામાં આવી હતી. આ સભામાં દેશના ટોચના બિઝનેસ હાઉસીસના દિગજ્જ લોકો હાજર રહ્યા હતા.

દેશના અર્થતંત્રના કર્ણધારોને સંબોધતાં મોદીએ કહ્યું કે ‘૧૨૫ વર્ષમાં સીઆઇઆઇને મજબૂત બનાવવામાં જેણે ફાળો આપ્યો તેને હું અભિનંદન આપીશ. જેઓ આપણી વચ્ચે નથી તેઓને હું આદરપૂર્વક નમન. કોરોનાના આ સમયગાળામાં, આના જેવી ઑનલાઇન ઇવેન્ટ્સ હવે સામાન્ય બની રહી છે. આ માણસની સૌથી મોટી તાકાત છે. આપણે લોકોના જીવ બચાવવા અને અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવી પડશે. તમે બધા ઉદ્યોગના લોકો અભિનંદનને પાત્ર છો. હું ગેટિંગ ગ્રોથ બૅકથી આગળ વધીને કહીશ... વી આર ગેટિંગ ગ્રોથ બૅક....! તમે આશ્ચર્યચકિત થશો કે કટોકટીની આ ઘડીમાં હું આત્મવિશ્વાસ સાથે કેવી રીતે બોલું છું, પણ આનાં ઘણાં કારણો છે. મને ભારતની પ્રતિભા અને તક્નિક પર વિશ્વાસ છે. આ સંકટની ઘડીમાં આટલા આત્મવિશ્વાસ સાથે હું આ વાત કરી રહ્યો છું એનું કારણ ભારતીયોની પ્રતિભા અને ક્ષમતા તેમ જ દેશની ક્રાઇસ મૅનેજમેન્ટની યોગ્યતા છે. યુવાનો અને ટેક્નૉલૉજી પર મને વિશ્વાસ છે.’

દેશની અર્થવ્યવસ્થાને ફરીથી મજબૂત બનાવવી એ મારી સરકારની પ્રાથમિકતા, હવે મેડ ઇન ઇન્ડિયા અને મેડ ફૉર ફૉરેન દેશની જરૂરિયાત છે, જો હું સંકટ સમયે આવા આત્મવિશ્વાસ સાથે વાત કરી શકું છું તો એનું કારણ દેશની પ્રતિભા અને ટેક્નૉલૉજી છે, જો તમે એક પગલું ભરો તો સરકાર ચાર પગલાં ભરીને તમારી મદદ કરશે

- વડા પ્રધાન નરેન્દ્ર મોદી

national news new delhi narendra modi coronavirus covid19