ડિપ્રેશન, ટેન્શનથી ઘટશે વૅક્સિનની અસરકારકતા

15 January, 2021 04:31 PM IST  |  New Delhi | Agencies

ડિપ્રેશન, ટેન્શનથી ઘટશે વૅક્સિનની અસરકારકતા

પ્રતીકાત્મક તસવીર

ડિપ્રેશન, તણાવ અને એકલતા શરીરની રોગપ્રતિકારક શક્તિ ઘટાડી શકે છે અને અત્યારે વિકસાવાઈ રહેલી અને વૈશ્વિક વિતરણના પ્રારંભિક તબક્કામાં પહોંચેલી કોવિડ-19 સહિત અમુક ચોક્કસ રસીઓની અસરકારકતા ઓછી કરી શકે છે, એમ વિજ્ઞાનીઓએ જણાવ્યું હતું. પર્સ્પેક્ટિવ્ઝ ઑન સાઇકોલૉજિકલ
સાયન્સ નામની જર્નલમાં પ્રકાશિત એક અહેવાલ અનુસાર રસીકરણ અગાઉ ૨૪ કલાકના સમયમાં રાત્રિના સમયે લેવાયેલી પૂરતી ઊંઘ અને એક્સરસાઇઝ જેવી દરમિયાનગીરીઓ રસીની પ્રારંભિક અસરકારકતા વધારી શકે છે.
સંશોધકોએ નોંધ્યું હતું કે સઘન ટેસ્ટિંગના આધારે જાણવા મળ્યું હતું કે અમેરિકામાં વિતરણ માટે મંજૂરી મેળવનારી કોવિડ-૧૯ની રસીઓ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ભારે અસરકારક છે, પણ દરેક વ્યક્તિ તત્કાળ એનો સંપૂર્ણ લાભ મેળવી શકશે નહીં.
અમેરિકાસ્થિત ઓહાયો સ્ટેટ યુનિવર્સિટીના સંશોધક એન્નેલિસે જણાવ્યા મુજબ ‘કોરોનાની મહામારી શારીરિક ઉપરાંત માનસિક પાસાંઓ માટે પણ મુશ્કેલી સર્જી રહી છે અને અન્ય ઘણી તકલીફોની સાથે-સાથે ડિપ્રેશન, બેચેની જેવી સમસ્યાઓ ઉત્પન્ન કરે છે.’
આ પ્રકારના તણાવ જન્માવતાં પરિબળો વ્યક્તિની રોગપ્રતિકારક વ્યવસ્થા પર વિપરિત અસર ઉપજાવી શકે છે અને ઇન્ફેક્શનનો સામનો કરવાની તેમની ક્ષમતાને પ્રભાવિત કરે છે, એમ રિપોર્ટના અગ્રણી લેખક મેડિસને જણાવ્યું હતું.

કોરોના થયાના પાંચ મહિના ઇમ્યુનિટી પણ જોખમ અકબંધ

ગુરુવારે પ્રસિદ્ધ થયેલા એક સત્તાવાર બ્રિટિશ અભ્યાસ અનુસાર, કોરોનાથી સંક્રમિત થયા બાદ ઓછામાં ઓછા પાંચ મહિના સુધી થોડી રોગપ્રતિકારકતા મળી રહે છે, તેમ છતાં લોકોને કોરોના વાઇરસનું ઇન્ફેક્શન લાગવાનું જોખમ તો રહે જ છે.
પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડ (પીએચઇ)ના વિશ્લેષણ મુજબ, ઇન્ફેક્શન બાદના પરિણામસ્વરૂપે કુદરતી રીતે પ્રાપ્ત થયેલી રોગપ્રતિકારક શક્તિ (આ બીમારી અગાઉ ન થઇ હોય, તેવા લોકોની તુલનામાં બીમારીનો સામનો કરી ચૂકેલા લોકોને) પુનઃઇન્ફેક્શન સામે ૮૩ ટકા રક્ષણ પૂરું પાડે છે.
આ રોગપ્રતિકારક શક્તિ બીમાર થયા બાદ પાંચ મહિના સુધી ટકી રહે છે. જોકે, નિષ્ણાતો ચેતવણી આપતાં જણાવે છે કે, રોગપ્રતિકારક શક્તિ ધરાવનારા લોકો તેમના નાક અને ગળામાં વાઇરસનું વહન કરવા માટે સક્ષમ હોય છે અને આથી તેઓ અન્યોને સંક્રમિત કરે, તેવું જોખમ રહે છે. “આ અભ્યાસે કોરોના સામેના ઍન્ટિ-બૉડી રક્ષણના સ્વરૂપનું સ્પષ્ટ ચિત્ર આપ્યું છે, પણ લોકો આ પ્રારંભિક તારણો અંગે ગેરસમજૂતી ન ધરાવે, તે જરૂરી છે,” તેમ પીએચઇના સાઇરેન અભ્યાસની આગેવાની લેનાર પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડ ખાતેના સિનિયર મેડિકલ એડવાઇઝર પ્રોફેસર સુઝેન હોપકિન્સે જણાવ્યું હતું.

national news coronavirus covid19