બેંગલુરુમાં કોરોના સંક્રમિત મળી આવેલા દક્ષિણ આફ્રિકાના બંને યુવકોમાં ડેલ્ટા વેરિયન્ટ મળ્યું

28 November, 2021 04:40 PM IST  |  Bangalore | Gujarati Mid-day Online Correspondent

અધિકારીએ જણાવ્યું કે 1 થી 26 નવેમ્બરની વચ્ચે દક્ષિણ આફ્રિકાથી કુલ 94 લોકો ભારત આવ્યા છે અને તેમાંથી માત્ર બેમાં જ કોરોના વાયરસનો અગાઉનો પ્રકાર જોવા મળ્યો છે.

પ્રતીકાત્મક તસવીર. તસવીર/IANS

કોરોના વાયરસના નવા પ્રકાર ઓમિક્રોનને લઈને દેશ અને દુનિયામાં ચિંતાની સ્થિતિ છે. દરમિયાન બેંગલુરુમાં દક્ષિણ આફ્રિકાના બે લોકો કોરોના સંક્રમિત મળી આવ્યા બાદ ભયનું વાતાવરણ સર્જાયું હતું. આ બંનેના સેમ્પલના ટેસ્ટિંગથી સ્પષ્ટ થઈ ગયું છે કે આ લોકો વાયરસના ડેલ્ટા વેરિઅન્ટથી સંક્રમિત છે.

આજ તકના અહેવાલ મુજબ બેંગલુરુ ગ્રામીણ જિલ્લાના એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે તે બંને 11 અને 20 નવેમ્બરના રોજ સંક્રમિત જોવા મળ્યા હતા. નોંધનીય છે કે આ સમયે ઓમિક્રોન વેરિઅન્ટ્સનો પ્રકોપ દક્ષિણ આફ્રિકામાં સૌથી વધુ હતો. આ જ કારણ છે કે ચેપના મામલાને લઈને ભારતમાં હાજર દક્ષિણ આફ્રિકાના નાગરિકોમાં હલચલ મચી ગઈ હતી.

અધિકારીએ જણાવ્યું કે 1 થી 26 નવેમ્બરની વચ્ચે દક્ષિણ આફ્રિકાથી કુલ 94 લોકો ભારત આવ્યા છે અને તેમાંથી માત્ર બેમાં જ કોરોના વાયરસનો અગાઉનો પ્રકાર જોવા મળ્યો છે. આ બંનેને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે અને તેમની પર નજર રાખવામાં આવી રહી છે. ઓમિક્રોન વેરિઅન્ટને WHO દ્વારા 24 નવેમ્બરના રોજ દક્ષિણ આફ્રિકામાં પ્રથમ વખત શોધી કાઢવામાં આવ્યું હતું. આ પછી બોત્સ્વાના, બેલ્જિયમ, હોંગકોંગ, ઈઝરાયેલ અને યુકેમાં પણ તેના દર્દીઓ જોવા મળ્યા હતા.

ઓમિક્રોનના ભય વચ્ચે કર્ણાટક સરકારે તમામ વિદેશી પ્રવાસીઓ માટે એરપોર્ટ પર સ્ક્રીનિંગની વ્યવસ્થા કરી છે. આ સાથે કેરળ અને મહારાષ્ટ્રથી આવતા લોકો માટે RTPCR ટેસ્ટ પણ ફરજિયાત કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના એક સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે કે મુખ્યમંત્રીએ કોરોના રસીનો બીજો ડોઝ ન મેળવેલ લોકોને શોધવા માટે ખૂબ જ સક્રિય અભિયાન ચલાવવાનો નિર્દેશ આપ્યો છે. આ સાથે રાજ્યની શાળા-કૉલેજોમાં સાંસ્કૃતિક કાર્યક્રમો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સરકારી કચેરીઓ, મોલ, હોટલ, સિનેમા હોલ, પ્રાણી સંગ્રહાલય અને સ્વિમિંગ પુલ જેવા સ્થળોએ રસીના બંને ડોઝ વિના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

national news coronavirus