દિલ્હી હિંસાનો સંસદમાં ઉગ્ર પડઘોઃ સંસદસભ્યો વચ્ચે ધક્કામુક્કી

03 March, 2020 11:14 AM IST  |  Mumbai Desk

દિલ્હી હિંસાનો સંસદમાં ઉગ્ર પડઘોઃ સંસદસભ્યો વચ્ચે ધક્કામુક્કી

બજેટ સેશન દરમ્યાન સંસદના પરિસરમાં દિલ્હીમાં થયેલી હિંસાના મામલે પ્રદર્શન કરતા ટીએમસીના નેતાઓ. તસવીર : પી.ટી.આઇ.

સંસદના બજેટ સત્રનો બીજો તબક્કો ગઈ કાલથી શરૂ થઈ ગયો છે. આખો દિવસ વિપક્ષી પાર્ટીઓએ દિલ્હી હિંસા માટે જોરદાર હંગામો કર્યો. હંગામાના કારણે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી પહેલા બપોરે ૨ વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી, પરંતુ જેવી સંસદની કાર્યવાહી ફરીથી શરૂ થઈ વિપક્ષે ફરીથી દિલ્હી હિંસા પર હંગામો કર્યો અને ગૃહપ્રધાન અમિત શાહના રાજીનામાની માગ કરી. દિલ્હી હિંસા માટે કૉન્ગ્રેસ, ટીએમસી અને આમ આદમી પાર્ટીના સાંસદોએ વિરોધ પ્રદર્શન કર્યું. હવે બન્ને સંસદની કાર્યવાહી સવારે ૧૧ વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.

લોકસભામાં કૉન્ગ્રેસ અને બીજેપીના સાંસદો વચ્ચે ધક્કામુક્કી જોવા મળી હતી. આ ધક્કામુક્કી ત્યારે થઈ જ્યારે કૉન્ગ્રેસના સાંસદો ગૃહપ્રધાન અમિત શાહના રાજીનામાના બેનર સાથે ટ્રેજરી બેંચ સુધી જવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. આ સમયે બીજેપીના સાંસદ રમેશ બિધૂડી અને કેટલાક બીજેપી સાંસદોએ તેમને રોકવાનો પ્રયત્ન કર્યો હતો.

દિલ્હી રમખાણો માટે ટીએમસીના સાંસદોએ આંખો પર પટ્ટી બાંધીને પ્રદર્શન કર્યું. સાંસદ કાળી પટ્ટી બાંધીને વિરોધ કરી રહ્યા છે. સીપીએમ, સીપીઆઈ, ડીએમકે અને એનસીપીએ દિલ્હી રમખાણો પર લોકસભા સ્થગન પ્રસ્તાવની નોટિસ આપી હતી.

દિલ્હીમાં થયેલાં તોફાનો સુનિયોજિત નરસંહાર હતોઃ મમતા
પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજીએ મોદી સરકાર પર પ્રહાર કર્યા છે. તેમણે સણસણતો આરોપ લગાવતા કહ્યું છે કે દિલ્હીમાં થયેલાં તોફાનો સંપૂર્ણ રીતે સુનિયોજિત નરસંહાર હતો. મમતા બૅનરજીએ દિલ્હી હિંસા માટે અમિત શાહ અને કેન્દ્ર સરકારને ઘેરી છે. ઉત્તર-પૂર્વ દિલ્હીમાં થયેલી હિંસામાં અત્યાર સુધીમાં ૪૦ લોકોનાં મોત નીપજ્યાં છે. આજે બીજા દિવસે મમતા બૅનરજીએ અમિત શાહ પર નિશાન તાક્યું હતું. તેમણે કહ્યું હતું કે અમિત શાહ અને કેન્દ્રની મોદી સરકારે દિલ્હીમાં ષડયંત્ર રચી રમખાણો કરાવ્યાં હતાં. તેમણે કહ્યું હતું કે દિલ્હીમાં થયેલાં તોફાનો સંપૂર્ણ રીતે સુનિયોજિત નરસંહાર હતો.

national news delhi news new delhi delhi violence