મોબાઇલ ફોન પર દિવસમાં ૧૨ કલાક ગેમ રમતા ૧૯ વર્ષના ટીનેજરને થયો પાર્શિયલ પૅરૅલિસિસ

04 May, 2025 08:36 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

દિલ્હીમાં ૧૯ વર્ષના એક ટીનેજરને કરોડરજ્જુના હાડકાની સર્જરી કરાવવાનો વારો આવ્યો, કારણ કે તેને મોબાઇલ ફોન પર ગેમ રમવાની આદત પડી ગઈ હતી અને રોજ ૧૨ કલાકથી વધારે સમય સુધી તે પોતાના રૂમમાં જ રહીને ગેમ રમતો હોવાથી તેને પાર્શિયલ પૅરૅલિસિસ થયો હતો.

પ્રતીકાત્મક તસવીર

દિલ્હીમાં ૧૯ વર્ષના એક ટીનેજરને કરોડરજ્જુના હાડકાની સર્જરી કરાવવાનો વારો આવ્યો, કારણ કે તેને મોબાઇલ ફોન પર ગેમ રમવાની આદત પડી ગઈ હતી અને રોજ ૧૨ કલાકથી વધારે સમય સુધી તે પોતાના રૂમમાં જ રહીને ગેમ રમતો હોવાથી તેને પાર્શિયલ પૅરૅલિસિસ થયો હતો. સમયની સાથે તેની કરોડરજ્જુનું હાડકું વાંકું થઈ ગયું અને એના કારણે તેનો બ્લૅડર પરનો કન્ટ્રોલ જતો રહ્યો. આ એ વાતનો સંકેત હતો કે કરોડરજ્જુના હાડકા પર દબાણ આવતું હતું.

આશરે એક વર્ષમાં કોઈ પણ જાતના નિદાન વિના તેને થયેલા સ્પાઇનલ ટ્યુબરક્યુલોસિસ (TB)ના કારણે તેની હાલત ઓર ખરાબ થઈ હતી અને જ્યારે તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો ત્યારે તેને ચાલવામાં અને પેશાબ કરવામાં પણ મુશ્કેલી થઈ રહી હતી. ઇન્ડિયન સ્પાઇનલ ઇન્જરીઝ સેન્ટરના ડૉક્ટરોએ તેની કરોડરજ્જુના હાડકામાં એક ડિફોર્મિટી જોઈ જેને મેડિકલ ભાષામાં કાઇફો-સ્કોલિયોસિસ (kypho-scoliosis) કહેવામાં આવે છે. સ્કૅનમાં ખબર પડી કે TBના કારણે કરોડરજ્જુના હાડકામાં D11 અને D12માં ચેપ લાગી ગયો હતો અને એમાં પસ ભરાયો હતો. આ ઑપરેશન પાર પાડવા માટે ડૉક્ટરોની ટીમને આધુનિક સ્પાઇનલ નૅવિગેશન ટેક્નૉલૉજીનો સહારો લેવો પડ્યો હતો. કઠિન સર્જરી બાદ આ ટીનેજરમાં રિકવરીનાં લક્ષણો દેખાયાં હતાં. તેણે બ્લૅડર પર કન્ટ્રોલ મેળવી લીધો છે અને ચાલવાનું પણ શરૂ કરી દીધું છે.

new delhi delhi news mental health health tips national news