28 September, 2026 10:02 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
AAP દ્વારા શૅર થયેલા વિડિયોનો સ્ક્રીન-શૉટ
દિલ્હીના તિલકનગરમાં રસ્તાના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આરોપો વિશે રવિવારે ભારે હોબાળો મચ્યો હતો. આમ આદમી પાર્ટી (AAP) દ્વારા સોશ્યલ મીડિયા પર એક વિડિયો શૅર કરવામાં આવ્યો હતો. એમાં દિલ્હીના પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ (PWD)ના પ્રધાન પ્રવેશ વર્મા સવાલ પૂછનારા એક યુવકને લાફો મારતા જોવા મળે છે. આ યુવાને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને પ્રવેશ વર્મા પાસે માફી માગવાની તથા તેમને સસ્પેન્ડ કરવાની માગણી કરી હતી.
આ સમગ્ર વિવાદનું મૂળ ડામરનો નવો બનેલો રસ્તો છે. AAPના વિધાનસભ્ય જરનૈલ સિંહે આખી રાતમાં બનેલા નવા રસ્તા માટે થયેલા ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવ્યો હતો. દિલ્હીના પ્રધાન પ્રવેશ વર્માની સામે જ તે પોતાના હાથે આસાનીથી ડામરનાં પોપડાં ઉખાડીને દેખાડતા હતા અને સરકાર પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો. આ સમયે બન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. એક યુવક આ ઘટનાનો વિડિયો ઉતારી રહ્યો હતો ત્યારે ગુસ્સે ભરાયેલા પ્રધાને તેનો હાથ નીચે કરીને લાફો મારી દીધો હતો. ત્યાર બાદ સિક્યૉરિટી ગાર્ડ્સ અને લોકોએ વચ્ચે પડીને મામલો શાંત પાડ્યો હતો.
પહેલાં તો પ્રવેશ વર્માએ પોતાનો બચાવ કરતાં કહ્યું હતું કે ‘જરનૈલ સિંહે મારા સાથીઓ અને મારા પરિવારને ગાળો આપી. આ હાલતમાં કોઈ પણ માણસ જે કરે એ જ મેં કર્યું.’
એ પછી એક વિડિયો બહાર પાડીને પ્રવેશ વર્માએ દોષનો ટોપલો AAP પર ઢોળતાં કહ્યું હતું કે ‘આજે હું રસ્તા પર થઈ રહેલા કામનું નિરીક્ષણ કરવા ગયો હતો. કામ હજી ચાલી રહ્યું છે. PWD વિભાગના એન્જિનિયરો કહી રહ્યા હતા કે આ વિસ્તારના વિધાનસભ્ય જરનૈલ સિંહ અમને કૉન્ટ્રૅક્ટરને મેળવવા માટે દબાણ કરી રહ્યા હતા અને તેમના માટે કમિશનની માગણી કરી રહ્યા હતા. અમારા એન્જિનિયરોએ આ બાબતે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) દાખલ કર્યો છે.’