દિલ્હી પોલીસનું મેગા ઑપરેશન : ૪૮ કલાકમાં ૪૮૨ ગુંડાની ધરપકડ

10 May, 2026 12:01 PM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

પાકિસ્તાન-કનેક્શન ધરાવતા મોટા નેટવર્કનો પર્દાફાશ

છેલ્લા ૪૮ કલાકથી ચાલી રહેલા આ સઘન ઑપરેશન દરમ્યાન પોલીસે કુલ ૪૮૨ રીઢા ગુનેગારો અને તેમના સાગરીતોની ધરપકડ કરી છે

દિલ્હી અને આસપાસનાં રાજ્યોમાં સંગઠિત ગુનાખોરી અને આતંકવાદી સાઠગાંઠને નેસ્તનાબૂદ કરવા માટે દિલ્હી પોલીસે ‘ગૅન્ગ બસ્ટ 2.0’ (Gang Bust 2.0) નામનું ઑપરેશન હાથ ધરીને મોટી સફળતા મેળવી છે. છેલ્લા ૪૮ કલાકથી ચાલી રહેલા આ સઘન ઑપરેશન દરમ્યાન પોલીસે કુલ ૪૮૨ રીઢા ગુનેગારો અને તેમના સાગરીતોની ધરપકડ કરી છે. આ કાર્યવાહીમાં પાકિસ્તાનસ્થિત ગૅન્ગસ્ટર શહઝાદ ભટ્ટી સાથે જોડાયેલા મૉડ્યુલનો પણ પર્દાફાશ કરવામાં આવ્યો છે. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર ધરપકડ કરાયેલા આરોપીઓમાં શહઝાદ ભટ્ટી નેટવર્કના ૯ સક્રિય સભ્યોનો સમાવેશ થાય છે. આ નેટવર્ક સોશ્યલ મીડિયા દ્વારા ભારતીય યુવાનોને લલચાવીને ગુનાખોરી તરફ ધકેલતું હતું. તપાસમાં જાણવા  મળ્યું છે કે આ શખ્સોને ઉત્તર ભારત અને દિલ્હી-NCRમાં સુરક્ષાદળો પર અંધાધૂંધ ફાયરિંગ કરવાની અને આતંક ફેલાવવાની સૂચના આપવામાં આવી હતી. દિલ્હી પોલીસના સ્પેશ્યલ સેલ અને જિલ્લા પોલીસની ટુકડીઓએ સંયુક્ત રીતે દિલ્હી ઉપરાંત હરિયાણા, પંજાબ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં કુલ ૧૦૧૪ સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ ઑપરેશનમાં કપિલ સાંગવાન ઉર્ફે નંદુ ગૅન્ગ, સંદીપ કાલા જઠેડી, હાશિમબાબા અને નીરજ બવાના જેવી કુખ્યાત ગૅન્ગના સાગરીતો પણ પકડાયા છે.

ખુફિયા એજન્સીઓને ટેરર-અટૅકની ચેતવણીને પગલે દિલ્હીની ખાસ જગ્યાઓ પર હાઈ અલર્ટ

ઇન્ટેલિજન્સ એન્જસીઓને દિલ્હીની ખાસ જગ્યાઓ પર ઇમ્પ્રોવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED) હુમલાઓની ચેતવણી મળી હોવાથી આખા દિલ્હીમાં સુરક્ષાવ્યવસ્થા જડબેસલાક કરી દેવામાં આવી છે. પોલીસે તાજેતરમાં જ પાકિસ્તાન-બેઝ્ડ હૅન્ડલર્સ સાથે જોડાયેલા ટેરર-મૉડ્યુલને પકડ્યા પછી આ ખુફિયા માહિતી મળી હતી. દેશની રાજધાનીમાં ખાસ જગ્યાઓએ IEDનો ઉપયોગ કરીને ટેરર-અટૅક્સની સંભાવના હોવાથી દિલ્હી પોલીસે અતિશય સંવેદનશીલ અને ભીડભાડવાળી જગ્યાઓએ સુરક્ષા વધારી દીધી છે.  ખુફિયા અલર્ટ પછી ગઈ કાલે મોડી સાંજથી જ ચેકિંગ અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે. દિલ્હીની BJP ઑફિસ તેમ જ રાષ્ટ્રીય હેડક્વૉર્ટરની સિક્યૉરિટી વધારી દેવામાં આવી છે. 

શું-શું મળ્યું?

દરોડા દરમ્યાન પોલીસને ગુનેગારો પાસેથી ૧૪૧ પિસ્તોલ, ૨૧૨ કારતૂસ અને ૭૯ છરીઓ, ૧૯ લાખ રૂપિયાની રોકડ, ૨૪ વાહનો, ૩૧ મોબાઇલ ફોન, ૧૯ કિલો ડ્રગ્સ અને દારૂની ૧૨૩૪ બૉટલ સહિતનો મુદ્દામાલ મળી આવ્યો છે.

national news india delhi news Crime News crime branch delhi police new delhi