દિલ્હી પોલીસે લાલ કિલ્લા પર દીપ સિદ્ધુ સાથે કર્યો ક્રાઇમ સીન રીક્રીએટ

14 February, 2021 12:49 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

દિલ્હી પોલીસે લાલ કિલ્લા પર દીપ સિદ્ધુ સાથે કર્યો ક્રાઇમ સીન રીક્રીએટ

આરોપીઓને લઈને લાલ કિલ્લા પર ગયેલી દિલ્હી પોલીસ. (તસવીર: પી.ટી.આઇ.)

પ્રજાસત્તાક દિવસે ખેડૂતોની ટ્રૅક્ટર પરેડ દરમ્યાન ઐતિહાસિક સ્મારક પર થયેલી તોડફોડની ઘટનાને રીક્રીએટ કરવા દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચ ઍક્ટર-ઍક્ટિવિસ્ટ દીપ સિદ્ધુ અને અન્ય આરોપી ઇકબાલ સિંહને ગઈ કાલે લાલ કિલ્લા પર લઈ ગઈ હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. પોલીસે જણાવ્યા મુજબ દીપ સિદ્ધુ લાલ કિલ્લા પર થયેલી હિંસા અને તોડફોડની ઘટનામાં મુખ્ય હતો. સોમવારે દિલ્હી પોલીસના સ્પેશ્યલ સેલની ટુકડીએ હરિયાણામાં કર્નાલ બાયપાસ પરથી તેની ધરપકડ કર્યા બાદ અહીંની સિટી કોર્ટે મંગળવારે તેને ૭ દિવસની પોલીસ-કસ્ટડીમાં મોકલ્યો હતો.

કેસની તપાસ કરી રહેલી ટીમ ઘટનાસ્થળ પર જવા માટે તેમણે લીધેલા માર્ગની ચકાસણી કરી તેને સમર્થન આપશે તેમ જ કઈ રીતે આખી ઘટના ઘટી અને હિંસા ફાટી નીકળી એની તપાસ કરશે. ૫૦,૦૦૦ રૂપિયાનું ઇનામ ધરાવતા ઇકબાલ સિંહની ધરપકડ દિલ્હી પોલીસના સ્પેશ્યલ સેલના નોર્ધન રેન્જ દ્વારા મંગળવારે રાત્રે પંજાબના હોશિયારપુરમાંથી કરવામાં આવી હતી.

લાલ કિલ્લા પર થયેલી તોડફોડ અને હિંસાની ઘટનાના આરોપી ઍક્ટર દીપ સિદ્ધુ, જુગરાજ સિંહ, ગુરજોત સિંહ અને ગુર્જંત સિંહની બાતમી આપનારને એક લાખ રૂપિયાનું રોકડ ઇનામ જાહેર કર્યું હતું.

national news red fort