પ્રજાસત્તાક દિને ખેડૂતોને ૧૦૦ કિલોમીટરની ટ્રેક્ટર પરેડની પરવાનગી

24 January, 2021 01:09 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

પ્રજાસત્તાક દિને ખેડૂતોને ૧૦૦ કિલોમીટરની ટ્રેક્ટર પરેડની પરવાનગી

ગઈ કાલે દિલ્હીમાં મીડિયાને સંબોધન કરવા આવતા સ્વરાજ અભિયાનના નેતા યોગેન્દ્ર યાદવ (તસવીર: પી.ટી.આઇ.)

પ્રજાસત્તાક દિને ૧૦૦ કિલોમીટરની ટ્રેક્ટર પરેડ માટે દિલ્હી પોલીસે પરવાનગી આપી હોવાનો દાવો આંદોલનકારી ખેડૂતોનાં સંગઠનોએ કર્યો હતો. ખેડૂત સંગઠનોની પોલીસ જોડે મીટિંગ બાદ ખેડૂત નેતા અભિમન્યુ કોહરે જણાવ્યું હતું કે ટ્રેક્ટર પરેડ દિલ્હીની ગાઝીપુર, ટીકરી અને સિંઘુ સરહદોથી શરૂ કરવામાં આવશે. કાર્યક્રમની વિગતો તૈયાર કરાઈ રહી છે.

ખેડૂત નેતા ગુરનામ સિંહ ચડુનીએ જણાવ્યું હતું કે ટ્રેક્ટર પરેડમાં હજારો ખેડૂતો ભાગ લેશે. તેનો કોઈ એક રૂટ નહીં હોય. દરમ્યાન દિલ્હી પોલીસે ખેડૂતો તરફથી પ્રસ્તાવિત ટ્રેક્ટર પરેડના રૂટ વિશે કોઈ લેખિત માહિતી આપવામાં ન આવી હોવાનું જણાવ્યું હતું. ખેડૂત સંગઠનોએ જણાવ્યું હતું કે દિલ્હી પોલીસ ૨૬ જાન્યુઆરીએ બૅરિકેડ્સ હટાવી લેશે અને ટ્રેક્ટર રૅલી પછી ખેડૂતો તેમના બોર્ડર પૉઇન્ટ્સ પર પાછા પહોંચી જશે. પ્રજાસત્તાક દિનના સત્તાવાર સમારંભને ખલેલ કર્યા વગર શાંતિપૂર્વક રૅલી પાર પાડવામાં આવનાર હોવાનું ખેડૂત નેતાઓએ જણાવ્યું હતું.

પ્રદર્શનકારીઓએ મારી સાથે મારઝૂડ કરી હતી: દિલ્હીમાં ખેડૂતોને મારવા આવેલા શૂટરે કર્યો સૌથી મોટો ખુલાસો

દિલ્હીની સિંધુ બૉર્ડર પર ખેડૂતો તરફથી જે શખ્સને ‘શૂટર’ ગણાવીને મીડિયા સામે રજૂ કરાયો હતો તેને પૂછપરછમાં કેટલાય સનસનીખેજ આરોપ મૂક્યા છે. હરિયાણાના સોનીપતના રહેવાસી આ શખ્સે કહ્યું કે તે ૧૯ જાન્યુઆરીએ દિલ્હીમાં પોતાના એક સંબંધીના ઘરે આવ્યો હતો અને દિલ્હીમાં ચાલતાં-ચાલતાં ઘૂસતા જ કેટલાક લોકોએ તેની પકડીને મારઝૂડ કરી હતી.

યોગેશે પૂછપરછમાં કહ્યું કે આ લોકોએ તેના પર દબાણ બનાવતાં કહ્યું હતું કે આ લોકો જે કહે એને મીડિયા સામે કહેવું પડશે. ત્યાર બાદ યોગેશે મીડિયાની સામે વાતચીત કરતાં કહ્યું હતું કે તેને દિલ્હીમાં ૨૬ જાન્યુઆરીએ રૅલી પર ફાયરિંગ કરવા માટે મોકલ્યો હતો. જોકે હવે યોગેશે કહ્યું કે આમ કહેવા માટે તેને તે પ્રદર્શનકારીઓએ કહ્યું હતું જે તેને પકડીને લાવ્યા હતા.

national news delhi police